ગુજરાતની સ્વનિર્ભર શાળાના 12 લાખ શિક્ષકોની નોકરી પર લટકતી તલવાર, સંચાલકોએ સરકાર પાસે લોન માગી

0
279
  • શિક્ષકો અને સ્ટાફના પગાર અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ સહાય નહીં
  • જો સરકાર ખાનગી શાળાના સંચાલકોને આત્મનિર્ભર લોન અથવા તો શિક્ષકોનો પગાર નહીં આપે તો ના છુટકે શિક્ષકોને છુટા કરવા પડશે

ગાંધીનગર. ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકોની નોકરી પર જોખમ આવી ગયું છે. 

સરકાર સંચાલકોને સહાય નહીં કરે તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે
આ મામલે સારા ખાનગી શાળા સંચાલકોએ સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે જો સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદમાં શિક્ષકોની હાલત કફોડી બની રહી છે કેમકે, સરકારે ઓનલાઇન શિક્ષણની ફી લેવાનું બંધ કરી દેતા શાળા સંચાલકોએ પણ શિક્ષકો સહિત શાળાના સ્ટાફને પગાર આપવાની અસમર્થતા દર્શાવવા લાગ્યા છે. 

સંચાલકોની આર્થિક સ્થિતિ પણ એવી નથી કે શિક્ષકોને પગાર આપી શકે
રાજ્યના ખાનગી શાળા સંચાલકના આગેવાન અર્ચિત ભટે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 22 માર્ચથી એટલે કે છેલ્લા છ મહિનાથી ફી ના લેવા માટેનો ઓર્ડર કર્યો છે જેથી શાળા સંચાલકોની સ્થિતિ પણ કફોડી બની છે કેમકે રાજ્યના કોઇપણ ખાનગી શાળા સંચાલક પાસે છ મહિનાનું સરપ્લસ હોઈ શકે નહીં કારણ કે છેલ્લા ચાર વર્ષથી બનાવેલી ફી નિર્ધારણ સમિતિએ શાળાઓની 25થી 30 ટકા ફીમાં ઘટાડો કર્યો છે તેથી શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ પણ એવી નથી રહી કે શિક્ષકોને પૂરતો પગાર આપી શકે છે.

ધોરણ 1 થી 8ની સ્વનિર્ભર શાળાઓમાં સાડા ત્રણ લાખ શિક્ષકો સહિતનો સ્ટાફ કામ કરે છે
આ મામલે અમે ખાનગી શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ 15થી 20 વખત માગણી કરી છે કે શિક્ષકો અને સ્ટાફને પગાર આપવો તમને પોસાય તેમ નથી તેથી રાજ્ય સરકાર અમારા જે ખર્ચ છે તેમાં 70 ટકા પગાર માં જાય છે અને 30 ટકા બીજા ખર્ચા હોય છે તો પગારનો ખર્ચ સરકાર અમને આપે અથવા તો શાળા સંચાલકોને આત્મનિર્ભર લોન આપે જેથી શિક્ષકો અને સ્ટાફનો પગાર અમે કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 9થી 12ના ખાનગી શાળાના આઠ લાખ જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફ છે જ્યારે ધોરણ 1 થી 8ની સ્વનિર્ભર શાળાઓમાં સાડા ત્રણ લાખ જેટલા શિક્ષકો સહિતનો સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે આ તમામને પગાર આપવો સંચાલકોને હવે પરવડે તેમ નથી તેથી નાછૂટકે અમારે પણ શિક્ષકોને છુટા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here