- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 6 હજાર વધુ લોકોની ભરતી કરશે
- હાલમાં કંપનીના 96% કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે
નવી દિલ્હી. કોરોના સંકટ હોવા છતાં ટેક કંપની HCL ટેકનોલોજીસ નાણાકીય વર્ષ 2021માં 15 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. આ ભરતી કેમ્પસ પ્લેસમેન્ટ હેઠળ થશે. કંપનીએ ગત વર્ષે 9,000 લોકોને નોકરી આપી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 6 હજાર વધુ લોકોની ભરતી કરવામાં આવશે. કંપનીએ પોતાની ભરતી અને જોઈનીંગની પ્રક્રિયાને વર્ચ્યુઅલ કરી છે.
ફ્રેશર માટે એવરેજ સેલેરીમાં કોઈ ઘટાડો નહી
HCLના HR હેડ વી. વી. અપ્પારાવે તાજેતરમાં જણાવ્યું હતું કે, કંપનીમાં ફ્રેશરને આપવામાં આવતી સેલેરીમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહી. ફ્રેશર્સને સરેરાશ રૂ. 3.5 લાખ પગાર આપવામાં આવે છે. કોવિડના કારણે વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ મોડો થયો છે. સાથે જ સંસ્થાઓની સામાન્ય ફંક્શનિંગને પણ અસર થઇ છે. આ બધાના કારણે કેમ્પસ પ્લેસમેન્ટને અસર થઇ છે.
ભરતી પ્રક્રિયા વર્ચ્યુઅલ મોડમાં થશે
અપ્પારાવે કહ્યું કે, હાલના સમયે કંપનીની ભરતી પ્રક્રિયા વર્ચુઅલ મોડમાં આવી ગઈ છે. આ ભરતી એ પદ માટે થાય છે જેને કંપનીના કર્મચારીઓ છોડીને ગયા હોય છે. જોકે, જો એટ્રિશન રેટ ઓછા હોય, તો પછી ભરતી પણ ઓછી થાય છે. HCL સામાન્ય રીતે દરેક ક્વાર્ટરમાં 3500-4000 લોકોની ભરતી કરે છે. જોકે, નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રણ મહિનામાં ફક્ત 2000 કર્મચારીઓની ભરતી કરી છે.
મોટાભાગનો સ્ટાફ ઘરેથી કામ કરે છે
કંપનીના 96% કર્મચારીઓ કોવિડ અને લોકડાઉનને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની પ્રોડક્ટિવિટીમાં સારી રિકવરી થઈ છે. ટોચની ચાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ TCS, ઇન્ફોસીસ, HCL ટેક અને વિપ્રોમાં અંદાજે 10 લાખ કર્મચારીઓ છે. IT ક્ષેત્રના કુલ સંખ્યાના 20% લોકો આ કંપનીઓમાં છે.