સિવિલ હોસ્પિટલના વર્ગ-4 ના કર્મચારીએ 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસ વચ્ચે 80 પોસ્ટ મોર્ટમ કર્યા

0
284
  • કોરોના સંક્રમણમાં ડર વચ્ચે પોસ્ટમોર્ટમની કામગીરી કરાય છે
  • ચેપ ન લાગે તે માટે સાવચેતી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે
  • 32 વર્ષની નોકરી દરમિયાન રમણભાઈએ 32 હજાર પીએમ કર્યા

સુરત. કોરોના સંક્રમણ વચ્ચે મેડિકલ સેવા આપનારાને ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું છે. પરંતુ હાલના સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ તેનું PM(પોસ્ટ મોર્ટમ) કરવામાં આવતું નથી. જો કે, કોરોના સિવાયના દર્દીઓના પોસ્ટ મોર્ટમ તો ચાલુ જ છે. આવા સમયે ડરના માહોલ વચ્ચે મૃતદેહોના પોસ્ટમોર્ટમની અઘરી કામગીરી સિવિલ હોસ્પિટલમાં રમણભાઈ સોલંકી કરી રહ્યાં છે.વર્ગ-4ના કર્મચારી રમણભાઈએ છેલ્લા 10 જ દિવસમાં 80 જેટલા પોસ્ટ મોર્ટમ કર્યા છે. જેથી ખરા અર્થમાં તેને કોરોના વોરિયર કહેવામાં આવી રહ્યાં છે. 

3 દાયકાથી વર્ષથી પોસ્ટ મોર્ટમ કરે છે
ભટારમાં આવેલી તડકેશ્વર સોસાયટીમાં રહેતા રમણભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ. 60) છેલ્લા ત્રણ દાયકામાં 32000 થી વધુ મૃતદેહના પોસ્ટ મોર્ટમ કરી ચુક્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં વર્ગ-4 ના કર્મચારીનું કહેવું છે કે, અગાઉ નહોતો લાગ્યો તેવો ડર આ કોરોના કાળમાં સતાવી રહ્યો છે. 

શરૂઆતમાં રાત્રે ઊંઘ નહોતી આવતી
રમણભાઈ 1988માં સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4 ના કર્મચારી તરીકે નોકરી પર જોડાયા હતાં. 5 વર્ષ બાદ એટલે 1992-93થી પોસ્ટ મોર્ટમ વિભાગમાં મૃતદેહને ચીરવા સહિતની કામગીરી સોંપાય હતી. શરૂઆતના સમયમાં રાત્રે ઊંઘમાંથી ડરના મારે જાગી જવાતું હતું. તો ઘણી રાતો તો ઊંઘ જ ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્લેગમાં પણ કામગીરી કરી
રમણભાઈએ જણાવ્યું હતું કે, 1992ના કોમી હુલ્લડમાં લગભગ 700 પોસ્ટ મોર્ટમ કર્યા હશે.1994ના પ્લેગમાં પણ 500 જેટલા લોકોના મોત થતા પોસ્ટ મોર્ટમની કામગીરી કરવામાં આવી હતી. 2006ની રેલમાં 300 જેટલા મોત થયેલા અને આ માહામારીમાં છેલ્લા 10 દિવસમાં 80 જેટલા મૃતકોના પોસ્ટ મોર્ટમ કર્યા કે, એમની વચ્ચે રહી કામગીરી કરી રહ્યા છે. જો કે હવે ચીરફાડ અને ટાંકા મારવા જીવનનો એક ભાગ બની ગયું છે. 

સડેલા મૃતદેહોના પીએમમાં સાવચેતી જરૂરી
ડૂબેલા, દાઝેલા, હત્યા, અકસ્માત, શંકાસ્પદ, ઝેરી દવા પી કે ફાંસા જેવા આપઘાતના અને સૌથી ખરાબ સડી ગયેલા મૃતદેહના પોસ્ટ મોર્ટમ પણ કરતા આવ્યા છે. સડી ગયેલા મૃતદેહમાંથી નીકળતી જીવાતો ઉડીને શરીર પર ચોંટી જાય એટલે ઇન્ફેક્શન ન લાગે તેની સાવચેતી રાખીને કે આવા પોસ્ટ મોર્ટમ દરમિયાન સેફટી ડ્રેસ પહેરી કામ કરવું પડતું હોવાનું રમણભાઈએ ઉમેર્યું હતું. 

ઝઘડાઓનો સામનો પણ કરવો પડે
24 કલાક પોસ્ટ મોર્ટમની કામગીરી કરી હોવાનું કહેતા રમણભાઈએ ઉમેર્યું કે,હા મેન પાવરની અછત વચ્ચે આ કામગીરીને લઈ ઘણીવાર મૃતકના સંબંધીઓ સાથે વિવાદ અને ઝઘડાઓનો સામનો કરવો પડે છે. શંકાસ્પદ કોરોના દર્દીના પોસ્ટ મોર્ટમ વખતે કીટ, ગલ્વ્ઝ, અને ચશ્મા ચોક્કસ પહેરીને કામ કરવામાં આવે છે.HIV મૃતદેહના પોસ્ટ મોર્ટમ વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બ્લડ ન વાગે એટલે લગભગ બે-ત્રણ ગલ્વ્ઝ પહેરીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે. હાલ તેઓ 12 વર્ષ જૂના શશીકાંત દેવીપૂજક અને 3 વર્ષ જૂના હરજી સોલંકી સાથે કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here