ફરાળમાં આરોગાતા કેળા પકવવા કેમીકલનો ઉપયોગ: 12 ગોડાઉનમાં દરોડા

0
277

પવિત્ર શ્રાવણ માસમાં વ્રત ભંગાવી નાંખતા પાપ બદલ સઘન ચેકીંગ ઝુંબેશની સૂચના આપતા આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર: રૈયારોડ, દૂધસાગર, કુવાડવા, કોઠારીયા, જામનગર રોડ પર ચકાસણી-ત્રણ બોટલ ઈથીલીન રાઈપ્નરનો નાશ: ચેવડા સહિતની દુકાનોમાં પણ ફૂડ તંત્ર ત્રાટકયું

પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે ત્યારે ફરાળી સામગ્રી કે ફ્રુટમાં બીનફરાળી માલનો વપરાશ કરીને ભકતોના એકટાણા ઉપવાસ ભાંગી નાંખવાનો ધંધો કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકીંગ કરવા આરોગ્ય સમીતીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે ફુડ શાખાને આપેલા આદેશના પગલે તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારમાં ફ્રુટના ગોડાઉનમાં દરોડા પાડી કેમીકલથી કેળા પકવવાનું કારસ્તાન વધુ એક વખત પકડી પાડયું છે તો ફરાળી વાનગી વેચતા 18 દુકાનદારોને ત્યાં પણ ચેકીંગ ડ્રાઈવ ચલાવવામાં આવી છે.

કેળા તત્કાળ પકવવા, ઈથીલીન રાઈપ્નરનો ઉપયોગ થતો હોય અને તેનાથી વ્રત ભાંગી જવા સાથે લોકોના આરોગ્યને પણ ગંભીર નુકશાન થતુ હોય આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેમ ફુડ તંત્રએ જાહેર કર્યુ છે.

શ્રાવણ માસ સહિતના પવિત્ર તહેવારમાં અનેક લોકો ઉપવાસ રહેતા હોય છે અને ફરાળી ચેવડો, પેટીસ સહિતના નાસ્તા તથા ફ્રુટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ વધુ નફાની ઉતાવળમાં અમુક ધંધાર્થી કેળા જેવા ફ્રુટ જોખમી અને પ્રતિબંધીત કેમીકલથી પકવે છે. ફરાળી લોટ તથા તેની સામગ્રીમાં બિનફરાળી દ્રવ્યોની ભેળસેળ કરે છે જેથી વ્રત ભાંગતા લોકોની લાગણી સાથે પણ ચેડા થતા રહે છે.

આ સંજોગોમાં ફુડ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં ત્રણ ટીમ દોડાવી કેળા પકવતા ગોડાઉન, ફરાળી લોટના ઉત્પાદકો અને તેમાંથી વાનગી બનાવતા દુકાનદારોને ત્યાં ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારમાં 12 ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છોટુનગર-6માં ન્યુ ભારત ફ્રુટ, દૂધસાગર રોડના વિશ્વાસ ફ્રુટ, કુવાડવા રોડની હરસિદ્ધિ સોસાયટીના શ્રી જલારામ ફ્રુટ, કોઠારીયા રોડના નંદા હોલ પાસેના જય જલારામ ફ્રુટ અને શુલભ પાસે વિશ્વાસ ફ્રુટ કંપ્નીમાં ઈથીલીન ચેમ્બરથી કેળા પકવવામાં આવતા હોવાનું ખુલ્યુ હતું તો જામનગર રોડના ફેમસ કેળાવાળાને ત્યાંથી પર્લ બ્રાન્ડ ઈથીલીન રાઈપ્નરની ત્રણ બોટલ મળી આવતા તેનો નાશ કરાયો હતો. આ કેળા પકવવાથી વ્રતનો તો ભંગ થઈ જ જાય છે, સાથે જ પેટના દુ:ખાવા, આંતરડાને નુકશાન અને ચામડીને અસરનો ભય સર્જાય છે તેમ અધિકારીઓએ કહ્યું હતું.

આ સિવાય રૈયારોડના ગોલી કેલા, શીતલપાર્ક ચોકના પટેલ કોલ્ડ્રીંકસ અને ઈમરાન કેળા, જામનગર રોડના ગોલ્ડ કેળા, યુસુફભાઈ સુલેમાન, હનીફભાઈ સુલેમાનને ત્યાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

ફરસાણના ધંધાર્થીઓને ત્યાં કરાયેલા ચેકીંગમાં પારેવડી ચોકના ભારત ફરસાણમાંથી ત્રણ કીલો દાઝયુ તેલ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 18 જગ્યાએ કરાયેલા ચેકીંગમાં કોટેચા ચોકના રસીકભાઈ ચેવડાવાળા, અંબીકા ફરસાણ, સાગર, પાયલ ડેરી, બજરંગ, જયુબેલી ચોકના આર.ગોરધનભાઈ, યશવંતભાઈ, પારેવડી ચોકના અંબીકા અને બાલાજી ફરસાણ, પેડકરોડના રાધેશ્યામ ડેરી, વિજય, મયુર, ન્યુ ભારત, શ્રીનાથજી, જલારામ, વરીયા અને શ્રીજી ફરસાણનો સમાવેશ થાય છે.

જે જગ્યાએથી કૃત્રિમ રીતે કેળા પકવવાની પ્રવૃતિ થતી હતી ત્યાં નોટીસ આપીને કેમીકલનો નાશ કરવામાં આવ્યો છે તો ફરારી ચેવડા સહિતની સામગ્રી વેચતા ધંધાર્થીઓને ત્યાંથી અખાદ્ય તેલનો નાશ કરી ક્ષતીઓ દૂર કરવા તાકીદ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here