રાજકોટઃ રાજકોટની એક યુવતી સિંગાપુરમાં એક સપ્તાહથી બીમાર હતી અને તે જ હાલતમાં રાજકોટ આવતા તબીબોને કોરોનાની પૂરી શંકા છે તેથી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખી સેમ્પલ લેવાયા છે. શહેરનું એક નવદંપતી 25 ફેબ્રુઆરીએ હનીમૂન માટે સિંગાપુર મલેશિયાની ટુર પર ગયા હતા. આ દરમિયાન 1 માર્ચથી યુવતીને તાવ અને શરદી છે અને 6 માર્ચે તેઓ મુંબઈ ઉતર્યા હતા અને ત્યાંથી ફ્લાઈટ મારફત શુક્રવારે બપોરે 12 વાગ્યે રાજકોટ આવીને ઘર પહોંચ્યા હતા. ઘર પહોંચતા જ યુવતીની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તપાસ કરનાર તબીબને કોરોનાના લક્ષણ જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે યુવતીને તુરંત સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાઈ હતી તેમજ સેમ્પલ લેવાયા હતા. યુવતીના પતિમાં હજુ કોઇ લક્ષણો દેખાયાં નથી પણ તેના પરિવારના 3 સભ્યોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર સેમ્પલ અમદાવાદ મોકલાયા છે અને શનિવાર સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે.
મહિલાને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીને તાવ, ગળુ બળવું, શરદી, ઉધરસ, કફ સહિતની સમસ્યા સિંગાપુર હતી ત્યારે જ હતા અને ત્યાં કોરોનાના પુષ્કળ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત તાવ સતત ચઢ ઉતર કરતો હતો તેથી મુંબઈ એરપોર્ટ પર તાવ ઓછો હોવાથી થર્મલ સ્કેનરમાંથી બચી ગયાની શક્યતા તબીબો જણાવી રહ્યા છે. હાલ આ યુવતીને આઈસોલેશનમાં રખાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર દર્દી કોરોનાગ્રસ્ત દેશમાંથી બીમારી સાથે આવ્યા છે એટલે આઈસોલેશનમાં રખાયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા હજુ ઓછી છે પણ ટ્રાવેલ હિસ્ટ્રી જોતા 1 ટકા પણ ચાન્સ લેવો હિતાવહ નથી તેથી યુવતીને આઈસોલેશનમાં રાખી છે તેમજ તેને ક્લોઝ કોન્ટેક્ટ ધરાવતા 3 લોકો ઓબ્ઝર્વેશનમાં જ રહેશે.
મનપાનું હાસ્યકવિ સંમેલન, યશોદા એવોર્ડ, ભાજપનું મહિલા સંમેલન રદ
કોરોના અંગે અગમચેતી પગલાં લેવા મહાનગરપાલિકાએ તમામ જાહેર કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે. કમિશનરે હોળી પરના હાસ્ય કવિ સંમેલન, રાજ્ય સરકારનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ રદ કર્યો હોવાની જાહેરાત કરી હતી જ્યારે ભાજપે મહિલા દિવસે આયોજિત મહિલા સંમેલન રદ કર્યો છે. મનપાએ રોચગાળાના પગલે 21 આરોગ્ય કેન્દ્રમાં હોમિયોપેથિક રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનુ વિતરણ શરૂ કર્યું છે.
31 યાત્રી નિરીક્ષણ હેઠળ
કોરોના વાઇરસ અસરગ્રસ્ત દેશ ચીન, હોંગકોંગ, થાઇલેન્ડ, સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, વિયેતનામ, નેપાળ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઇરાન, ઇટલી સહિતના દેશમાંથી અત્યાર સુધીમાં 98 મુસાફરો રાજકોટ આવ્યા છે તેમાંથી 14 દિવસનો નિરીક્ષણ સમય 53 મુસાફરોએ પૂર્ણ કર્યો છે, 31 મુસાફરો હજુ મનપાના નિરીક્ષણ હેઠળ છે.