દેશમાં શાળા-કોલેજો, જીમ-થિયેટર જેવા અમુકન બાદ કરતા મોટાભાગના ક્ષેત્રો અનલોક થઈ ગયા છે છતાં અદાલતોમાં ફીઝીકલ સુનાવણી હજુ બંધ છે. સરકારી કચેરીઓથી માંડીને ખાનગી ઓફીસો ખુલી ગઈ છે ત્યારે અદાલતોમાં કાર્યવાહી નોર્મલ બનાવવા ગુજરાત સહિતના રાજયોના વકીલો માંગ કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ નિર્ણય લેવા માટે સાત જજોની કમીટીનું ગઠન કર્યુ છે.
અનામતને લગતા કેસમાં વકીલોએ વિડીયો કોન્ફરન્સને બદલે ફીઝીકલ સુનાવણીનો આગ્રહ કર્યો હતો ત્યારે ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ જસ્ટીસ એમ.પી.રામનાના વડપણ હેઠળ સાત જજની કમીટી રચવાનું જાહેર કર્યુ હતું. કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે ફીઝીકલ કાર્યવાહી શકય છે કે કેમ તે ચકાસીને કમીટી રીપોર્ટ તૈયાર કરશે. ચાર મહિનાથી અદાલતોમાં કામકાજ બંધ છે. વકીલોની કમાણી બંધ હોવાથી નાણાં સંકટમાં મુકાયા છે.
વકીલોને ત્રણ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવા માટે કેન્દ્ર તથા રાજયોને આદેશ આપવા બાર કાઉન્સીલે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. ચીફ જસ્ટીસે સ્વીકાર્યુ હતું કે કાનૂની ક્ષેત્રમાં સામેલ વકીલોને ઘણી મુશ્કેલી છે. તેઓ પાસે વૈક્લ્પીક આવકનો કોઈ સ્ત્રોત નથી. ગુજરાન ચલાવવા માટે માત્ર બચતનો જ આધાર છે. જો કે, તેઓએ કહ્યું કે કોર્ટ કાર્યવાહી નોર્મલ થાય તા માત્ર જજો જ નહીં, વકીલો-સ્ટાફ તથા પક્ષકારો પણ મુશ્કેલીમાં આવવાનું જોખમ રહે છે.