રાજકોટ સીટીમાં 20; ગોંડલ-જેતપુર-ધોરાજીમાં કોવિડ હોસ્પીટલો શરૂ કરાશે; બેડની ક્ષમતા વધશે

0
852
રાજકોટની 20 હોસ્પીટલોમાં કોવિડ ગાઈડલાઈન મુજબની સગવડતા ઉપલબ્ધ છે કે કેમ? તેની ચકાસણીની તજવીજ


રાજકોટ શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે આ અગાઉ 11 જેટલી ખાનગી હોસ્પીટલોને મંજુરી આપવામાં આવી છે. સાથોસાથ હવે રાજકોટ શહેરમાં વધુ 20 ખાનગી હોસ્પીટલોમાં અલાયદી રીતે કોવિડ હોસ્પીટલ શરુ કરવામાં આવે તે માટે તૈયારી શરુ કરવામાં આવી છે.

સાથોસાથ જીલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતુ જતુ હોય ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં એક-એક કોવિડ હોસ્પીટલ શરુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું રાજકોટ જીલ્લા કલેકટર રૈમ્યા મોહને સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના પોઝીટીવના છેલ્લા પંદર દિવસથી સતત વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ કોરોના સંક્રમણ વધે અને ઢગલાબંધ કેસો સામે આવે તો આવા દર્દીઓને સીવીલ ઉપરાંત ખાનગી હોસ્પીટલમાં સારવારનો વિકલ્પ મળી રહે તે માટે રાજકોટ સીટીમાં વધુ 20 ખાનગી હોસ્પીટલો કે જેમાં અલગથી જ કોરોના વોર્ડ હોય તે રીતે શરુ કરવામાં આવશે. આ માટે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આવી હોસ્પીટલોની તપાસ કરીને કોવિડ ગાઈડલાઈન મુજબની સગવડતા છે કે કેમ તે રીપોર્ટ આવ્યે મંજુરી આપવામાં આવશે.

આ દરમ્યાન રાજકોટ જીલ્લામાં પણ કોરોના પોઝીટીવના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ રાજકોટ જીલ્લામાં ગોંડલમાં સાયન્સ સેન્ટર ખાતે 48 બેડની એક હોસ્પીટલ શરુ કરવા તજવીજ ચાલી રહી છે. સાથોસાથ જેતપુર ખાતે પણ 48 બેડની એક હોસ્પીટલ અને ધોરાજીમાં 25 બેડની એક હોસ્પીટલ શરુ કરવામાં આવશે.

હાલમાં સીવીલ હોસ્પીટલમાં 512 બેડની સગવડતા ઉપલબ્ધ છે જયારે શહેરની 11 ખાનગી હોસ્પીટલોમાં 350 બેડ, કોવિડની સારવાર આપી રહી છે. સાથોસાથ સમરસ હોસ્ટેલમાં 900, ગેરૈયા હોસ્પીટલમાં 80 અને રેનબસેરા ખાતે 100 બેડની કોવિડ કેર હોસ્પીટલો કાર્યરત હોવાનું રાજકોટ જીલ્લા કલેકટર રૈમ્યા મોહને અંતમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here