કોરોના ઈફેકટ; નાના મવા બ્રીજ માટે અધધ 65% ઓનની માંગણી

0
381

કેકેવી ચોકમાં બ્રીજ પર ઓવરબ્રીજના ટેન્ડર આવતા સપ્તાહે બહાર પડશે : રીટેન્ડરમાં એ જ એજન્સી આવી: 30 કરોડના કામ સામે 51 કરોડનો અંદાજ આપ્યો: રામાપીર ચોકડીએ પણ રીટેન્ડર કરવાની નોબત

રાજકોટ મહાપાલિકા દ્વારા ચૂંટણી પુર્વે વધુને વધુ બ્રીજના કામ આપવા ટેન્ડર પ્રક્રિયા ધડાધડ ચાલી રહી છે અને ખુદ મુખ્યમંત્રી રાજકોટની ટ્રાફીક સમસ્યા દૂર કરે તેવા બ્રીજના કામમાં ગતિ ઈચ્છી રહ્યા છે ત્યારે હવે આવા પ્રોજેકટના ખર્ચ પર કોરોનાનું ગ્રહણ લાગવા મંડયુ છે. નાના મવા ચોકના બ્રીજ માટે અગાઉ ઉંચી ઓન આવતા કરાયેલા રીટેન્ડરમાં હવે તેથી પણ ઉંચી એટલે કે 65 ટકા જેટલી ઓનની માંગણી આવતા મહાપાલિકા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું છે. રામાપીર ચોકડીના બ્રીજ માટે પણ આ એક એજન્સીએ જ ભાવ ભર્યા હોય, આ બંને પ્રોજેકટ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવી પડે તેવી નોબત છે.

મહાપાલિકાતંત્રમાંથી મળેલી વિગત મુજબ 150 ફુટ રોડ પર હયાત બ્રીજની દીશામાં જ નાનામવા ચોક ક્રોસ કરે તેવા ઓવરબ્રીજનો પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોક વચ્ચે આ પોઈન્ટ પર પણ ખૂબ જ ટ્રાફીક જામ થાય છે. આથી બજેટમાં પણ આ બ્રીજ મંજુર કરાયો છે અને સરકાર ગ્રાન્ટ પણ આપવાની છે. થોડા સમય પહેલા આ બ્રીજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા મહેસાણાની મંગલમ ક્ધસ્ટ્રકશન કંપ્નીનું એકમાત્ર ટેન્ડર આવ્યું હતું. તેમાં ઉંચી ઓન લાગતા અને એક જ એજન્સી આવતા રીટેન્ડરનો નિર્ણય લેવાયો હતો. કારણ કે સ્પર્ધા વગર મનપાને વધુ ખર્ચ થવાની ભીતી સર્જાઈ હતી.

દરમ્યાન તંત્રએ બીજી વખત ટેન્ડર બહાર પાડતા અને ઓફર ખોલવામાં આવતા ફરી એક જ એજન્સી મંગલમે ભાવ ભર્યા છે. નવાઈની વાત એ છે કે આ વખતે અગાઉ કરતા પણ વધુ એટલે કે 65 ટકા ઓન માંગવામાં આવી છે. સીંગલ ટેન્ડરમાં પાર્ટીએ 30 કરોડના ખર્ચના અંદાજ સામે રૂા.51 કરોડના ખર્ચનો અંદાજ આપ્યો છે. તેનાથી મનપાના ઈજનેરો પણ ચિંતામાં પડી ગયા છે. કારણ કે આટલા ખર્ચ સાથે બ્રીજનો પ્રોજેકટ કરવો મુશ્કેલ લાગે છે.

આમ પણ મહાપાલિકાની તિજોરી કાયમ ચિંતામાં હોય છે તેવામાં આટલી ઓન આપવી પરવડે તેમ નથી. સરકાર પણ મૂળ અંદાજ પર ગ્રાન્ટ આપે છે. ઓન તો જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાએ ભોગવવાની હોય છે. આથી 65 ટકા ઓનવાળુ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને ત્રીજી વખત ભાવ મંગાવવામાં આવે તેવી શકયતા છે.
રામાપીર ચોકડીએ પણ 150 ફુટ રોડના પાંચમા બ્રીજનું આયોજન છે. આ ચોકમાં પણ બ્રીજ માટે એક માત્ર અને ઉપરોક્ત એજન્સીએ જ ભાવ આપ્યાનું જાણવા મળ્યું છે. મૂળ 28 કરોડના ખર્ચના અંદાજ સામે આટલી જ ઓન માંગવામાં આવ્યાનું સમજવામાં આવે છે. સતાવાર રીતે ટેન્ડર ખુલે અને બંને જગ્યા માટે તગડી ઓન જ સામે રહે તો બંને ચોકના બ્રીજના રીટેન્ડર કરવાની નોબત આવી જશે.

માર્ચ મહિનામાં આવેલા લોકડાઉન, મહિનાઓથી દુકાનદારથી માંડી કંપ્નીઓમાં મંદી સહિતના સંજોગોમાં હવે મહાપાલિકાને પણ ગરજના ભાવ આપવા પડે તેવા દ્રશ્યો ખડા થઈ રહ્યા છે. અનેક કંપ્નીઓ હવે ધંધામાંથી રસ ઓછો કરી રહી હોય તે કારણે પણ કેટલીક કંપ્ની જુદા જુદા કામમાં વધુ ઓન માંગી રહ્યાની છાપ ઉપસી રહી છે.
દરમ્યાન કેકેવી હોલ ચોકમાં હૈયાત બ્રીજ પર બીજો બ્રીજ બનાવવાના ટેન્ડર આવતા સપ્તાહે બહાર પડવાના સંકેત છે. આ બ્રીજનો અંદાજીત ખર્ચ પોણો અબજ જેટલો છે. આ વિશાળ બ્રીજ પ્રિન્સેસ સ્કુલથી કેકેવી ચોક બ્રીજ ટપીને, કાલાવડ રોડ પર મનપાના સ્વીમીંગ પુલ પાસે પુરો થાય તેવી ડીઝાઈન છે. આ મોટા પ્રોજેકટમાં પણ હવે કેટલી ઓન આવશે તેની ચિંતા ઈજનેરોને અત્યારથી થવા લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here