એકધારી તેજીનો દોર: ભાવવધારો આગળ ધપવાનો નિષ્ણાંતોનો મત
સોના-ચાંદીના ભાવોમાં તોફાની તેજીનો દોર યથાવત રહ્યો હોય તેમ આજે નવી ઉંચી સપાટી જોવા મળી હતી. સોનુ 52000ના લેવલને પાર કરી ગયુ હતું જયારે ચાંદી 62000ની સપાટીએ પહોંચી હતી.
ઝવેરીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીના ભાવવધારા પાછળ વિશ્વબજારની તેજી જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1881 ડોલરે પહોંચ્યુ હતું. જયારે ચાંદી 22.97 ડોલર હતી. રાજકોટમાં હાજર ચાંદીનો ભાવ 60000 તથા સોનુ 52350ની નવી ટોચે પહોંચ્યું હતું. કોમોડીટી એકસચેંજમાં સોનુ 50518 તથા ચાંદી 61900 હતી.
સોના-ચાંદીની પ્રવર્તમાન તેજી માટે પ્રવર્તમાન કોરોનાનો કહેર તથા તેની અર્થતંત્ર પર સંભવિત મોટી અસરને કારણરૂપ ગણવામાં આવે છે. આ સિવાય ચીન સાથે ભારત-અમેરિકા સહિતના દેશોના તંગ સંબંધો પણ જવાબદાર છે. ગમે ત્યારે લશ્કરી કે આર્થિક મોરચે ભડકો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી.
ઝવેરીઓના મતે વૈશ્વીક હાલત સામાન્ય ન થાય અને અનેકવિધ અનિશ્ચીતતા તથા શંકાકુશંકાનો માહોલ દુર ન થાય ત્યાં સુધી સોના-ચાંદીની તેજી અટકે તેમ નથી. સોનુ તથા ચાંદી બન્ને નવા ઝોનમાં આવી જ ગયા છે. સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ 2000 ડોલર પર પહોંચવાનો મત નિષ્ણાંતો દર્શાવી જ રહ્યા છે. ચાંદીનો ભાવ ભૂતકાળમાં 70000થી પણ વધી ગયો હતો. પ્રવર્તમાન તેજીના દોરમાં અગાઉની સર્વોચ્ચ સપાટીને ક્રોસ કરે છે કે કેમ તેના પર નજર છે.