ધર્મ દર્શન ડેસ્ક : ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કાશીમાં બાબા વિશ્વનાથનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, બાબા વિશ્વનાથ ફાગણ વદ ચૌદશ એટલે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ફાગણ સુદ એકાદશીએ કાશી આવ્યાં હતાં. આ અવસરે શિવ પરિવારની ચલ પ્રતિમાઓ કાશી વિશ્વનાથ મંદિરમાં લાવવામાં આવે છે. બાબા શ્રીકાશી વિશ્વનાથ મંગળ વાધ્યયંત્રોની ધ્વનિ સાથે કાશી ક્ષેત્રમાં જનતા, ભક્ત અને શ્રદ્ધાળુઓને પોતાના આશીર્વાદ આપવા માટે સપરિવાર ભ્રમણ કરે છે. આ વર્ષે કાશીમાં આમલકી એકાદશી 5 માર્ચે ઉજવવામાં આવી હતી.
ભસ્મ હોળી રમવાની પરંપરા લગભગ 350 વર્ષ જૂની છેઃ-
આમલકી એકાદશીએ કાશીના મણિકર્ણિકા શ્મસાનમાં ચિતા (મડદાં બાળવા ગોઠવેલી લાકડાં, છાણાંની માંડણી) ની રાખથી હોળી રમવાની પરંપરા લગભગ 350 વર્ષથી ચાલી રહી છે. ફાગણ સુદ એકાદશીએ બાબા વિશ્વનાથ ગૌરી માતા સાથે લગ્ન કરીને કાશી લાવે છે. તેમના સ્વાગતમાં અહીં રંગોત્સવ ઉજવવામાં આવે છે. બીજા દિવસે મણિકર્ણિકા ઘાટ પર ચિતાની ભસ્મ હોળી રમવામાં આવે છે. આ વર્ષે પંચાંગ ભેદ હોવાના કારણે કાશીમાં 5 માર્ચે આમલકી એકાદશીએ ચિતાની ભસ્મથી હોળી રમવામાં આવી હતી.
ભભૂતની હોળી રમવામાં આવે છેઃ-
આ દિવસે બાબા વિશ્વનાથ સ્વયં ભક્તો સાથે હોળી રમે છે. આ દિવસે મહંત આવાસથી સોનાની પાલકીમાં રાજશાહી પાઘડી બાંધેલાં બાબા વિશ્વનાથનો વરઘોડો સજાવે છે. સાથે જ, હિમાલયની પુત્રી ગૌરીને પણ સજાવવામાં આવે છે. બાળ સ્વરૂપ ગણેશજી પણ સાથે રહે છે. આ અવસરે સાંજના સમયે બાબાનો વરઘોડો શરૂ થતાં પહેલાં ભભૂતની હોળી રમવામાં આવે છે. ત્યાર બાદ શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્ત અબીર-ગુલાલ ઉડાડે છે. ત્યાર બાદ ગર્ભગૃહમાં પ્રતિમાઓ સ્થાપિત કરી હોળી રમ્યા બાદ વિશેષરૂપથી સપ્તર્ષિ આરતી કરવામાં આવે છે.
આમલકી એકાદશીથી કાશીમાં ઉત્સવ શરૂ થાય છેઃ-
આમલકી એકાદશીએ બાબા વિશ્વનાથમાં ભસ્મ હોળી રમવાની સાથે કાશીમાં હોળી મહોત્સવ શરૂ થઇ જાય છે. આ દિવસને લઇને ધૂળેટી સુધી બનારસમાં હોળીની ધૂમ રહે છે. શિવ મંદિરમાં ભસ્મ સાથે ફૂલ અને અબીર ગુલાલથી હોળી રમવાનું શરૂ થઇ જાય છે.