શાળા સંચાલકો અને વાલીઓના ફી વિવાદમાં વિદ્યાર્થીઓનો વાંક શો? ગુનો શું?

0
328
વાલીઓ કહે છે હાલ શાળા બંધ છે તો ફી ના હોય, શાળા સંચાલકો કહે છે ફી વગર ઓનલાઇન શિક્ષણ પણ કેવી રીતે પરવડે ? : ભારતના અનેક રાજયોમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા સરસ રીતે ગોઠવાઇ છે તો ગુજરાતમાં વિવાદ શા માટે? : ખાનગી શાળા તથા વાલીઓના વિવાદમાં સરકારનો હસ્તક્ષેપ જરૂરી : ઓનલાઇન એજયુકેશન બંધ થતાં વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થવાનો ભય


કોરોના મહામારીના કારણે દેશમાં તા.22મી માર્ચથી લોકડાઉન અમલમાં આવતાં સ્કૂલ કોલેજો બંધ થઇ અને પાછળથી ઓનલાઇન એજયુકેશન શરૂ થયું. ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન એજયુકેશન શરૂ થયું અને વિદ્યાર્થીની ફી ભરી જવાનો આગ્રહ સેવાતા વાલીઓએ હાઇકોર્ટમાં ઘા નાખ્યો. હાઇકોર્ટે સપ્ટેમ્બર સુધી ફી માફીનો આદેશ આપ્યો છે. સ્કૂલ શરૂ થાય પછી જ ફી લેવાવી જોઇએ તેમ આદેશમાં ઉલ્લેખ થતાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આજથી ઓનલાઇન શિક્ષણ બંધ કરેલ છે.

સ્વનિર્ભર શાળાઓ તથા વાલીઓ વચ્ચેના વિવાદમાં વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં પડી છે. આમા બાળકોનો શું વાંક છે? શું દોષ છે? બાળકોની ભાવી કારકિર્દી રગદોળાઇ જશે. વર્ષ બગડશે. આ અંગે શાળાઓને કે વાલીઓને ચિંતા ન હોવાનો ખ્યાલ ઉપસે છે. ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તે માટે સ્પેશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ઓનલાઇન એજયુકેશનની વ્યવસ્થા કરી તે માટે શાળા સંચાલકોએ સારો એવો ખર્ચ કર્યો છે. શિક્ષકોના પગાર ચાલુ રાખ્યા છે. મળતી માહિતી અનુસાર શાળા સંચાલકોને આ બધાની પાછળ ફીની આવકમાંથી 85 ટકા ખર્ચ નિભાવમાં થાય છે.

જયારે વાલીઓએ સંપૂર્ણ ફી માફીની માંગણી કરી હતી અને હાઇકોર્ટમાં ફરિયાદ કરતાં શિક્ષણ ફી માફીનો આદેશ થયો છે. જેના કારણે ખાનગી શાળાના સંચાલકોએ ઓનલાઇન એજયુકેશન બંધ કરી દીધેલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. સરકારે આ મુદ્દે રસ લઇને કોઇ વચેટ માર્ગ કાઢવો જરૂરી બન્યો છે. કોરોનાનો ઉપદ્રવ સમગ્ર ભારતમાં વ્યાપી છે. દરરોજ કોરોના પોઝીટીવની સંખ્યામાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે શાળાઓ શરૂ થઇ શકે તેવી સંભાવના નથી. ઓનલાઇન એજયુકેશન જરૂરી છે. નહીતર વિદ્યાર્થીઓને અભ્યાસમાં અરૂચી પેદા થવાનો ભય રહે, આળસુ બની જાય છે. વિદ્યાર્થીની કારકિર્દી માટે ભયજનક રહે.

ઘણા વાલીઓ એવુ કહે છે કે છોકરો એક વર્ષ નહી ભણે તો શું થઇ જવાનું છે? પરંતુ આ દલીલ ઉચિત છે? અમુક મહિનાઓ સુધી બાળક અભ્યાસ ન કરે તો તે ભણેલુ પણ ભૂલી જવાનો છે. ત્યારે એક વર્ષ પછી શાળાએ જાય તો તેનું મનોબળ, અભ્યાસ પ્રત્યેની રૂચિ કેવી રહેશે તેની કલ્પના જ કરવાની રહે છે.ઓનલાઇન એજયુકેશનથી બાળક દરરોજ અભ્યાસ તો કરી શકે છે. ભણેલુ ભુલી જશે નહી. ઓનલાઇન એજયુકેશન માટે કેન્દ્રની ગાઇડ લાઇન પણ છે. કારણ કે સમગ્ર ભારત કોરોનાથી વ્યાપી છે. વિદ્યાર્થીઓના ભાવી માટે ઓનલાઇન એજયુકેશન આજનો તકાજો છે. ગુજરાત સિવાય ભારતના અન્ય રાજયોમાં ઓનલાઇન એજયુકેશન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓનો ફી માફી સહિતનો વિરોધ વ્યાજબી છે ખરો?

કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ પ્રાઇમરીના બાળકો માટે દિવસમાં એક જ સેશન 45 મિનિટનું ઓનલાઇન એજયુકેશન ધો.1 થી 8ના બાળકો માટે 30-30 મિનિટના બે સેશન તથા ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 30 થી 45 મિનિટના ચાર-સેશન નક્કી કરાયા છે અને આ ઉપક્રમ ભારતના રાજયોમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વાલી અને શાળા સંચાલક મંડળ વચ્ચે ફીના મુદ્દે જે વિવાદ છે તેનો ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે આ વિવાદમાં હસ્તક્ષેપ કરીને જલદી ઉકેલ લાવવો જોઇએ.

શાળા સંચાલકો ઓનલાઇન એજયુકેશનમાં ફીમાં રાહત આપે જેથી વાલીઓ પણ ફી ભરી શકે. ઓનલાઇન એજયુકેશનમાં ફી માફીની માંગણી જરા પણ વ્યાજબી ન ગણી શકાય. ઉપરોકત પ્રશ્ને શાળા સંચાલકો તાત્કાલીક એક ફોર્મ્યુલા સરકાર સમક્ષ રજૂ કરે અને કોઇ રસ્તો કાઢે છે તે આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે સંગીતના વર્ગો સહિતના કલાક્ષેત્રના વર્ગો પણ બંધ છે. માત્રને માત્ર અભ્યાસ કરતાં બાળકોનું વિચારવુ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here