રાજકોટમાં 20 ખાનગી હોસ્પિટલને સ્ટેન્ડ ટુ રખાઈ
રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મોતની સંખ્યામાં પણ વધી રહી છે. આજે રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 3, જુનાગઢના 1, વાંકાનેરના 1 અને કચ્છના 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના 8 લોકોના મોત થયા હતા.
426 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ જિલ્લામાં કોરોનાગ્રસ્તની સંખ્યા 1243 પર પહોંચી ગઈ છે. ગુરુવારે રાજકોટ શહેરના નવા 44 સાથે કુલ 785, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 15 નવા સાથે 458 કુલ કેસ આવ્યા હતાં. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રાજકોટ તેમજ અન્ય જિલ્લાના કુલ 426 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં ટેસ્ટ વધારાતા ટેસ્ટ કિટ ઘટવાની શક્યતાને પગલે તંત્રે જેમ પોર્ટલ પર વધુ 5000 કિટનો ઓર્ડર આપ્યો છે.
20 ખાનગી હોસ્પિટલને સ્ટેન્ડ ટુ રખાઈ
રાજકોટમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધતા બેડની સંખ્યા વધારાઈ રહી છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર 20 જેટલી ખાનગી હોસ્પિટલને તેમના 50 ટકા બેડ ખાલી રાખવા તેમજ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે, જરૂર પડ્યે તબક્કાવાર આ હોસ્પિટલને કોવિડ માટે જાહેર કરી તેમાં તબક્કાવાર દર્દીઓની સારવાર શરૂ કરાશે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.