યૂથ ઝોન ડેસ્ક: ભણવાને વ્યક્તિની ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી- આ વાક્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાગીરથી અમ્મા છે. કેરળના 105 વર્ષીય ભાગીરથી અમ્મા ‘ગ્રેન્ડ નાની’ તરીકે ઓળખીતા છે. તેમણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચોથા ધોરણની પરીક્ષા 74.5 % સાથે પાસ કરી હતી. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે અમ્માની પસંદગી નારી શક્તિ પુરષ્કાર અવોર્ડ માટે થઈ છે. કેરળ રાજ્યના સાક્ષરતા મિશન હેઠળ તેઓ દેશના સૌથી ઉંમરલાયક શિક્ષિત મહિલા બન્યા હતાં, જેમણે આ વયે પરીક્ષા પણ આપી અને તેને પાસ પણ કર હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગીરથી અમ્માનો ઉલ્લેખ 23 ફેબ્રુઆરી,2020ના તેમના શો મન કી બાતમાં કર્યો હતો. તેઓ કેરળના કોલ્લમમાં રહે છે. દિલ્હીમાં 8 માર્ચ એટલે કે ઈન્ટરનેશનલ વિમન્સ ડે ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમ્માને નારી શક્તિ પુરષ્કાર સાથે 1 લાખ રૂપિયા પણ આપશે.
આગળનો લક્ષ્ય ધોરણ 10ની પરીક્ષા પાસ કરવાનો
ચોથા ધોરણની પરીક્ષામાં ભાગીરથીએ 275 અંકમાંથી 205 અંક મેળવ્યા છે. તેમણે ગણિતમાં 75માંથી 75 માર્ક્સ અને અંગ્રેજીમાં 50માંથી 30 માર્ક્સ મેળવ્યા છે. સાક્ષરતા મિશનના ડિરેક્ટર પીએસ શ્રીકલાએ ભાગીરથીના ઘરે જઈને તેમને અભિનંદન આપ્યા છે. શ્રીકલાએ કહ્યું કે, ભાગીરથીની ઈચ્છા ધોરણ 10ની પરીક્ષા પણ પાસ કરવાની છે.
માતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી અમ્મા પર આવી ગઈ હતી
105 વર્ષનાં ભાગીરથી અમ્માના 6 સંતાનો અને 16 પૌત્ર-પૌત્રીઓ છે. નવ વર્ષની ઉંમરમાં તેમની માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ભાઈ-બહેનોનો ઉછેર કરવામાં તેમણે માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. હાલ તેમના દરેક સંતાનોના લગ્ન થઈ ગયા છે, આથી તેમણે પોતાના માટે સમય કાઢીને પરીક્ષા આપી. ભાગીરથીના પતિનું અવસાન 70 વર્ષ પહેલાં થયું હતું. ભાગીરથીને પહેલેથી ભણવામાં રસ હતો, પણ નાનકડી ઉંમરે મોટી જવાબદારી આવી જતા તેમને અભ્યાસ છોડવો પડ્યો હતો.
ભાગીરથી અમ્મા રાજ્યના અનેક લોકો માટે પ્રેરણા સમાન
રાજ્ય સાક્ષરતા મિશનના જિલ્લા સંયોજક સીકે પ્રદીપ કુમારે નવેમ્બરમાં જણાવ્યું હતું કે, ભાગીરથી અન્ય ઘણા લોકો માટે પ્રેરણાદાયક વ્યક્તિ છે. તેમની યાદ કરવાની અને સાંભળવાની શક્તિ ઘણી સારી છે. આ કારણે જ તેમને આટલી ઉંમરે પણ ભણવામાં કોઈ અડચણ ન આવી. અમારું મિશન અશિક્ષિત, ઉંમરલાયક અથવા તો અધવચ્ચે અભ્યાસ છોડનારા લોકોને આગળ ભણવામાં મદદ કરે છે.