- કંટ્રોલ રૂમના મેસેજ આધારે શાહપુર પોલીસ ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લાવી હતી
- શાહપુર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ. શાહપુર વિસ્તારમાં માસ્ક વગર ફરત શખ્સને પોલીસ કોન્સ્ટેબલે માસ્ક પહેરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ જવાનને જાનથી મારવાની ધમકી આપી હતી. ધમકી આપનાર યુવકે પોલીસ સ્ટેશનમાં જ અપશબ્દો બોલી પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. શાહપુર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે શાહપુર પોલીસ યુવકને લઈ આવી હતી
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજ આધારે શાહપુર પોલીસના કર્મીઓ ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા. ફરિયાદી સાથે આવેલા યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) તરીકે ફરજ બજાવતા દિનેશભાઈએ તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા યુવકે ઊંચા અવાજે તમે પબ્લિકના માણસોને ખોટા હેરાન કરો છો તેમ કહેતાં દિનેશભાઈએ તેને શાંતિથી વાત કરવાનું જણાવી તેનું નામ પૂછ્યું હતું.
શાહપુર પોલીસે ધમકી આપનાર સામે કાર્યવાહી કરી
યુવકે દિનેશભાઈને અપશબ્દો બોલી ધમકી આપતા કહ્યું કે, મારું નામ કૃણાલ દિપક પરમાર છે, હું ઘીકાંટા અડવૈયાના ડેલામાં રહું છું. તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ તને જાનથી મારી નાખીશ. આ રીતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર કૃણાલ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈની ફરિયાદને પગલે શાહપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.