સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, પુત્ર અને ભત્રીજા સહિત 4 સભ્યોના રિપોર્ટ પોઝિટિવ

0
366

ધારાસભ્ય કેતન ઇનામદારના ડ્રાઇવરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરા. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના પુત્ર અક્ષર ઇનામદાર કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ હવે કેતન ઇનામદારના ભત્રીજા સહિત 2 સભ્યોના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યના ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પરિવારના તમામ સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

ધારાસભ્ય કહે છે કે, હાલ મારો પરિવાર ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે 
સાવલીના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વૈશ્વિક મહામારીમાં મારો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા હું સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ મારા ઘરના ઓફિસના રિપોર્ટ કઢાવતા મારા પુત્ર અક્ષરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર પછીના રિપોર્ટમાં મારા ડ્રાઈવર(લાલો) રાસીદમીયા અને મારા મામાની દીકરીનો દીકરો સાગર તથા આજે મારા ભાઈ સંદિપનો પુત્ર-મારો વ્હાલો ભત્રીજો નીલકંઠનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મારો પરિવાર ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને અમારા સૌની તબિયત સુધારા પર છે, પરંતુ, કોરાનાની બીમારી હોવાથી તેની દવા કરાવવી જરૂરી હોય હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

મારા સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ ક્વોરન્ટીન થાય અને જરૂર લાગે તો ટેસ્ટ પણ કરાવે
પુનઃ આપ સૌને જણાવું છું કે, છેલ્લા બે-ત્રણ દિવસમાં અમારા સંપર્કમાં આવેલ તમામ વ્યકિતઓને હોમ ક્વોરન્ટીન થવા તથા તબિયત સારી ન લાગે તો જરૂર પડે તો ટેસ્ટ કરાવવા વિનંતિ કરૂ છું. હાલનો સમય કોરોના બીમારીના કારણે આપણા સૌ માટે ખૂબ જ સાવચેતી ભર્યો રાખવો પડશે. આપ સૌ મારા પરિવારના સભ્યો જ છો પરિવારમાં નાના બાળકો કે વડીલો આ બીમારીમાં સપડાય તો આખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે, જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો જેથી તમે સુરક્ષિત રહો પરિવારને સુરક્ષિત રાખી શકો.

અમારા બધાની તબિયત આપ સૌની પ્રાર્થનાઓ, દુવાઓ અને પ્રેમભાવના કારણે સારી છે
હાલ અમારા બધાની તબિયત(સ્વાસ્થ્ય) આપ સૌની પ્રાર્થનાઓ, દુવાઓ અને પ્રેમભાવના કારણે સારી છે. જે બદલ હું આપ સૌનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે આપ સૌની પ્રાર્થના દુવાઓથી હું, અમે સૌ સંપૂર્ણ સ્વસ્થ થઈ પુનઃ આપ સૌની સેવામાં કાર્યરત થઈશું.