સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ થશે તો 20, ઓક્ટોબરમાં 30 અને નવેમ્બરમાં 40 % કોર્ષ ઘટાડવાની કવાયત

0
415
  • અનિશ્ચિતતા વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા અલગ-અલગ ફોર્મ્યુલા બનાવવામાં આવી રહી છે
  • રાજ્યના 1.50 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શાળા સંચાલકોની અસમંજસભરી સ્થિતિ

ગાંધીનગર. કોરોનાના કારણે રાજ્યની સ્કૂલો બંધ હોવાથી 1.50 કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ ઓગસ્ટ બાદ શરૂ થાય તો તેનો અભ્યાસક્રમ કેટલો રાખવો તેની મથામણ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે જો શાળાઓ સપ્ટેમ્બરમાં શરૂ થાય તો 20%, ઓક્ટોબરમાં શરૂ થાય તો 30% અને નવેમ્બરમાં શરૂ થાય તો 40% કોર્ષ ઘટવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.

3 વિકલ્પ પર ચર્ચા વિચારણા કરાઈ
ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં 20થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ફરીથી ખોલવા માટેના 3 અલગ–અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.

નવેમ્બરમાં શરૂ થાય તો મિડ ટર્મ વેકેશન પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ
સ્કૂલોના અભ્યાસક્રમ માટે એક વિકલ્પ એ છે કે, જો સપ્ટેમ્બરમાં સ્કૂલો ફરીથી ખોલવાની થાય તો અભ્યાસક્રમમાં 20%નો ઘટાડો થઈ શકે છે. જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦%નો ઘટાડો કરવો પડશે. જ્યારે નવેમ્બરમાં સ્કૂલો ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં 40% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે. જો ગુજરાતમાં સ્કૂલો 14 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ–ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે.

સરકારે શૈક્ષણિક વર્ષની તૈયારી માટે ખાસ સમિતિ બનાવી
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષની તૈયારીઓ અંગે ખાસ સમિતિ બનાવી હતી, જેના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને રાજયના શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આવતા વર્ષે પરીક્ષાઓ લેવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે હજુ પણ ચર્ચા વિચારણા કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે.

પ્રાથમિક સ્કૂલનો GCERT અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલનો બોર્ડ અભ્યાસક્રમ નક્કી કરે છે
પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ (GCERT)ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે.