- વેપારીઓએ કરેલા આંતરરાજ્ય સોદાની વિગતો મગાઈ
- બે દિવસમાં ડેટા રજૂ ન કરાય તો વ્યાજ સાથે દંડની ચેતવણી
સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના 4 હજાર વેપારીને નોટિસ આપી તેમણે કરેલા ઇન્ટર સ્ટેટ વ્યવહારો એટલે કે સી ફોર્મના વ્યવહારોની ખરાઇ માટે બોલાવ્યા છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે 2016-17 અને 17-18ના નાણાકીય વર્ષના વ્યવહારો તપાસવા માટે નોટિસ પાઠવી બે દિવસમાં ચાર વર્ષ જૂના વ્યવહારોના સી-ફોર્મ રજૂ કરવા જણાવ્યું છે.
વેટ સમયના કાયદા પ્રમાણે ઇન્ટર સ્ટેટ એટલે કે ગુજરાત બહાર માલનું વેચાણ કરતા હોય તેવા કિસ્સામાં લાગુ પડતા વેટના દરની જગ્યાએ બે ટકા સીએસટી ભરવાની જોગવાઇ હતી. તે જોગવાઇ પ્રમાણે કરદાતાએ જે વ્યક્તિને માલનું વેચાણ કર્યું હોય તેની પાસેથી સી-ફોર્મ મેળવવાનું હતું. વેચાણ કરનારે સી-ફોર્મ મેળવીને ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાનું હતું.
આવા સી-ફોર્મની ખરાઇ માટે તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને નોટિસ પાઠવી છે કે, બે દિવસમાં તમામ ફોર્મ રજૂ કરે, જો ફોર્મ રજૂ કરવામાં નહીં આવે તો તેમની પાસે તફાવતની રકમ વ્યાજ સાથે લેવામાં આવશે. આમ વેપારીઓ વ્યવસાય પડતો મૂકી ફોર્મ ભેગા કરવા માટે દોડધામ કરી રહ્યા છે.
કમિશનરે હેરાન ન કરવા ખાતરી આપી હતી
સ્ટેટ જીએસટી કમિશનરે વેપારીઓને જણાવ્યું હતું કે, તેમને સી-ફોર્મ માટે એસેસમેન્ટ કરવામાં નહીં આવે, પરંતુ પાછળથી નોટિસ પાઠવી તેમની પાસેથી વિગતો મગાઈ રહી છે. આમ વેપારીઓ એક તરફ જીએસટીમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, આવી નોટિસ મળતા ચિંતામાં મુકાયા છે.