- પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 328માંથી 254 પર ભાજપની જીત
ભરૂચના જિલ્લો નર્મદા જિલ્લાથી અલગ પડ્યા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું એક હથ્થું સુકાન BJP ના હાથમાં પ્રથમ વખત આવ્યું છે. ભાજપે જિલ્લા પંચાયતમાં 34 પૈકી 27 બેઠકો પર કમળ ખીલવ્યા સાથે 4 પાલિકામાં પણ જીત મેળવી છે. 8 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાવી દઇ કોંગ્રેસ-BTP નો રકાસ કાઢ્યો છે. આમોદ તાલુકા પંચાયત પણ અપક્ષ સાથે મળી ભાજપ કબ્જે કરી શકે છે. જ્યારે નેત્રંગ તાલુકા પંચાયતમાં 8 ભાજપ, 5 BTP અને 3 કોંગ્રેસની બેઠકોથી સ્થિતિ અનિર્ણીત હાલ બની રહી છે.
ભરૂચ જિલ્લામાં આ વખતે છોટુ વસાવની બી.ટી.પી નું ધોવાણ થયું છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં BTP ના છોટુ વસાવા કિંગમેકર ગણાતા હતા, ગત ટર્મમાં છોટુ વસાવા એ કોંગ્રેસ સાથે મળી જિલ્લા પંચાયત અંકે કરી હતી. ભાજપ ને ભરૂચ જિલ્લાનું વિભાજન થઈ નર્મદા જિલ્લો અલગ પડ્યા પેહલા એટલે કે 1995 માં સ્પષ્ટ બહુમતી મળી હતી.
26 વર્ષ બાદ ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપ 34 માંથી 27 બેઠકો જીતી એકલા હાથે સુકાન સંભાળશે. જિલ્લા પંચાયતમાં કિંગમેકર ગણાતા BTP ને માત્ર 3 બેઠક જ મળતા કંગાળ જેવી સ્થિતિમાં આવી ગઈ છે. જ્યારે કોંગ્રેસને પણ માત્ર 4 બેઠકો મળી છે. જો કોંગ્રેસ અને બીટીપી હાથ પણ મિલાવે તો પણ ગત ટર્મમાં બીટીપી ને એકલા હાથે જે બેઠકો મળી હતી તેના કરતાં 2 બેઠક ઓછી થાય છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 328 કુલ બેઠકો માંથી ભાજપે 254 પર ભવ્ય જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 58, BTP 14, અપક્ષ 24 અને માત્ર 1 બેઠક AIMIM ને મળી છે.