રાજકોટ: કમરે હથિયાર બાંધીને બબાલ કરવા પહોંચેલા SPGનાં જસ્મીન પીપળીયાની ટોળકીની ધમાલ પૂર્વે ધરપકડ

0
2831

રાજકોટનાં “સરદાર પટેલ સેવાદળ-SPG” નાં આગેવાનો ફેસબુકમાં કોમેન્ટ બાબતે યુવકને ઘાતક હથિયારો સાથે મારવા પહોંચ્યા હતા, SPG ગ્રુપ-રાજકોટનાં પ્રમુખ જસ્મીન પીપળીયા કમરે રિવોલ્વર બાંધી આવ્યા !!

યુવકને માર મારવા ગયેલા ઇસમોમાં અડધા ઇસમો નશીલી હાલતમાં ઝડપાયા: ભક્તિનગર પોલિસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ તા. ૨૫: અમીન માર્ગ પર રહેતાં કારખાનેદાર પટેલ યુવાને થોડા દિવસ પહેલા ફેસબૂક પર પોતાના એક મિત્રએ મુકેલી ‘જો જો ખોખારો ખાવામાં કયાંક ગળફો બહાર ન નીકળી જાય’…તેવી પોસ્ટ પર તાલીઓ પાડતો ડાગલો (ઇમોજી) મુકતાં આ બાબત એસપીજી ગ્રુપ સાથે જોડાયેલા એક પટેલ યુવાનને ન ગમતાં તેણે ગાળો લખતાં કારખાનેદારે તેને હું તને ઓળખતો નથી છતાં કેમ ગાળો લખે છે? તેવું પુછતાં આ શખ્સે ગઇકાલે ટોળકી રચી યુવાનના વિરાણી અઘાટના કારખાને હથીયારો સાથે જઇ હાકલા પડકારા કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી ધમાલ મચાવતાં કારખાનેદારને ઓફિસમાં સંતાઇ જવું પડ્યું હતું. તેના મિત્રએ પોલીસને બોલાવતાં ટોળામાંથી મોટા ભાગના ભાગી ગયા હતાં જ્યારે આઠ સકંજામાં આવી ગયા હતાં.

બનાવ અંગે ભકિતનગર પોલીસે અમીન માર્ગ પીરામિડ ટાવર પાસે ગુલાબવાટીકા શેરી નં. ૪માં ‘શિવ’ ખાતે રહેતાં પ્રતિક દિનેશભાઇ ટોપીયા (પટેલ) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી એસપીજી ગ્રુપ રાજકોટના જસ્મીન પીપળીયા (પટેલ), જીજ્ઞેશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમિષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા અને બીજા અજાણ્યા ૧૫ થી ૨૦ શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રતિક પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વિરાણી અઘાટમાં પ્લોટ નં. ૨૯ બોલબાલા માર્ગ પર વિનાયક પોલીપેક નામે પ્લાસ્ટીકની કોથળીઓ બનાવવાનું કારખાનુ ધરાવુ છું. આત્મીય કોલેજમાં મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. હું સોશિયલ મિડીયા નેટવર્કિંગ સાઇટ ફેસબૂક વાપરુ છું. પ્રતિક પટેલ યુઝર નામથી ફેસબૂક યુઝ કરુ છું. આજથી આઠેક દિવસ પહેલા મારા ફેસબૂક ફ્રેન્ડ મેહુલ પાટીદારે એક પોસ્ટ મુકી હતી. જેમાં ‘જો જો ખોખારો ખાવાથી કયાંક ગળફો બહાર ન નીકળી જાય’…આ પોસ્ટ પર મેં તાલીઓ પાડે એવા ડાગલા (ઇમોજી) મુકતાં સામે કોઇ જીજ્ઞેશ તોગડીયાએ ગાળો લખી હતી. ત્યારબાદ આ મેટર પુરી થઇ ગઇ હતી.

એ પછી શુક્રવારે મેં જીજ્ઞેશ તોગડીયાને તેના મોબાઇલ નંબર મને મળતાં સાંજે છ સવા છ આસપાસ ફોન કરીને કહ્યું હતું કે-હું તને ઓળખતો પણ નથી અને તું પણ મને ઓળખતો નથી, તો શું કામ ફેસબૂકમાં ગાળો વાળી કોમેન્ટ લખે છે? આથી તેણે કહેલ કે આપણે સાંજે ભેગા થઇ જઇએ. આ પછી રાત્રીના સાઠા આઠેક વાગ્યે મને જીજ્ઞેશ તોગડીયાએ ફોન કરી ફરીથી ગાળો દીધી હતી અને તું કયાં છો? તેમ કહેતાં મેં તેને હું વિરાણી અઘાટના મારા કારખાને છું તેમ કહેતાં તેણે હું હમણા માણસોને લઇને મારવા આવું છું તેમ કહ્યું હતું.

એ પછી રાત્રીના નવેક વાગ્યે પંદરથી વીસ માણસો મારા કારખાને ધારીયા, તલવાર, ચાકુ, લોખંડના પાઇપ સહિતના હથીયારો સાથે ધસી આવ્યા હતાં. કારખાનામાં આવી ગાળાગાળી ચાલુ કરી હતી. આ લોકોમાં હું જેને ઓળખુ છું તેમાં જસ્મીન પીપળીયા, જીજ્ઞેશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમિષ કાકડીયા, રાજૂ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા પણ હતાં. આ બધા બેફામ ગાળો બોલતા હતાં અને મને મારવા દોડતાં હું મારી ઓફિસમાં સંતાઇ ગયો હતો. જેથી મને મારી શકયા નહોતાં.

મને કે મારા મિત્ર કોઇને આ બનાવમાં ઇજા થઇ નથી. તેમજ કારખાનામાં પણ કોઇ નુકસાન થયું નથી. આ લોકોએ તોડફોડ પણ કરી નથી. મેહુલ પાટીદારની ફેસબૂક પોસ્ટમાં મેં ડાગલાની કોમેન્ટ મુકી તાલીઓ પાડી હોઇ તે જીજ્ઞેશ તોગડીયાને ન ગમતાં આ માથાકુટ થઇ હતી. અમારે સમાધાનની વાટાઘાટો પણ થઇ હતી. પરંતુ સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પ્રતિક પટેલે જણાવતાં ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. જાડેજા, એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો હતો. પોલીસે આઠેક શખ્સોને રાઉન્ડઅપ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પ્રતિક પટેલના કહેવા મુજબ માથાકુટ કરનારાઓમાં જસ્મીન પીપળીયા રાજકોટ એસપીજી (સરદાર પટેલ સેવાદળ ગ્રુપ)ના પ્રમુખપદે છે અને જીજ્ઞેશ પણ આ ગ્રુપમાંં છે.

કમરે હથિયાર બાંધીને યુવકને ડરાવવા આવેલા જસ્મીન પીપળીયાને હથિયારનું લાયસન્સ ક્યા આધારે મળ્યું ? : પોલીસ કમિશ્નર સામે મોટો પ્રશ્ન

રાજકોટમાં ચોક્કસ રકમ આપીને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા હથિયારનાં લાઈસન્સ કાઢી આપવાની વાત જગજાહેર છે. ત્યારે ગઈકાલે મોદી રાત્રે બનેલી આ ઘટનામાં રાજકોટનાં એક સામાજિક સંગઠન સરદાર પટેલ સેવાદળ (SPG)નાં હોદેદાર જસ્મીન પીપળીયા પોતાની રિવોલ્વર કમરે બાંધીને ફરીયાદીનાં કારખાને પહોંચ્યા હતા તથા પોતાણી ટુકડીને પણ હથિયાર સાથે લઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ચોક્કસ રકમ આપીને ચોક્કસ લોકો દ્વારા પોતાની ભલામણ કરીને હથિયારનાં પરવાના કાઢી આપવામાં આવે છે. તો આ મહાશયને હથિયારનાં પરવાનાની શા માટે જરૂર પડી ? અને કોના દ્વારા આ પરવાના ઇસ્યુ કરવામાં આવ્યા હતા જે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ધ્યાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જો આ તપાસને યોગ્ય દિશા મળે તો હથિયારનાં પરવાના માટેની સમગ્ર લીંક પણ ઝડપાઈ જાય અને જરૂરીયાત વિનાના આવા કેટલા લોકોને હથિયારનાં પરવાના આપવામાં આવ્યા છે તેની પણ વિગતો બહાર આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here