વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવતાં તેની અસર વૈશ્વિક બજારો ઉપર પડી છે અને ભારતીય શેરબજાર પણ તેની ઝપટે આવી ગયું હોય તેવી રીતે આજે સેન્સેકસ 3000 અને નિફટી 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. આજે શરૂઆતથી જ કડાકો જોવા મળતાં થતા શેર બજાર એક કલાક બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે પ્રીઓપનિંગમાં પણ માર્કેટ 3518 પોઈંટ ડાઉન રહ્યું હતું.
શરુઆતમાં જ શેર બજારમાં કડાકો બોલી જતાં નિફ્ટી 1000 પોઈન્ટ ડાઉન થતા નિફ્ટીમાં લોઅર સર્કિટ મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિ 2008 બાદ પહેલીવાર સર્જાઈ છે. આજની સ્થિતિ સર્જાતા શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો. આ સ્થિતિ માત્ર ભારતીય બજારોમાં નથી પરંતુ વૈશ્વિક બજારોમાં પણ કોરોના વાયરસના કારણે અફરાતફરી સર્જાઈ છે. હવે માર્કેટ 10.21 કલાકે શરુ કરવામાં આવશે.
શું હોય છે લોઅર સર્કિટ ?
દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોના રોકાણને બચાવવા ટ્રેડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. લોઅર સર્કિટ રોકાણકારોને નુકસાન થતા અટકાવે છે. બજાર જ્યારે 10 ટકાથી વધુ ઘટે છે ત્યારે તેને અમુક સમય માટે બંધ કરવામાં આવે છે. બજાર ફરીથી શરુ થાય ત્યારે જે ઘટાડો યથાવત રહે તો માર્કેટને ફરીથી બંધ કરવામાં આવે છે. આ સાથે જ એક્સચેન્જના તમામ પેડિંગ સોદા રદ્દ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના સંકટના કારણે અમેરિકી શેર બજારમાં પ્રમુખ સૂચકાંક ડાઉ જોન્સ અને એસએન્ડપીમાં પણ ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. શરુઆતી કારોબારમાં ડાઉ જોન્સમાં ઘટાડો થતા ટ્રેડિંગ 15 મિનિટ માટે રોકવામાં આવી હતી.