- હાર્દિક પટેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના દર્શને પહોંચ્યો, ત્યારે વિરોધ કરતા દોડધામ મચી ગઇ
- હાર્દિકના વડોદરામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે સામાજિક કાર્યકરે કલેક્ટર-પોલીસ કમિશનરને રજૂઆત કરી
- સામાજિક કાર્યકરે કહ્યું: ‘હાર્દિકની વડોદરા મુલાકાતથી કલમ-144ના ભંગની શક્યતા છે’
વડોદરા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. હાર્દિક પટેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શ કરવા માટે પહોંચ્યા ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે કોંગ્રેસના કાર્યકરોએ તેના માર મારીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી હતી. આ પહેલા હાર્દિક પટેલના વડોદરામાં આગમનથી કલમ 144 ભંગ થવાની શક્યતા હોવાથી સામાજીક કાર્યકર સંજય પંચાલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને હાર્દિક પટેલને વડોદરામાં પ્રવેશવા નહીં દેવા માંગ કરી હતી.
સામાજિક કાર્યકર કહે છે કે, 2015માં હાર્દિક પટેલને કારણે ગુજરાતની શાંતિ ડહોળાઇ હતી
વડોદરા નજીક સાંકરદાના સામાજિક કાર્યકર સંજય પંચાલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ પર રાજદ્રોહ જેવા ગુના દાખલ થયેલા છે. 2015માં કોંગ્રેસ સાથે મળી પાટીદાર અનામત આંદોલન કરીને 14 પાટીદાર દિકરાઓનો ભોગ લીધો અને ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી અને જો હાર્દિક પટેલ વડોદરાની મુલાકાત લેશે તો કલમ 144નો ભંગ થવાની પુરેપુરી શક્યતા છે અને જો હાર્દિક પટેલને પ્રવેશ આપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સામાજીક કાર્યકર સંજય પંચાલે ઉચ્ચારી હતી.
હાર્દિક પટેલે સંજયનગરના વિસ્થાપિતો સાથે ચર્ચા કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બપોરે 12 કલાકે કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા-અર્ચના કર્યાં બાદ બપોરે 12:30 કલાકે સંજયનગરના વિસ્થાપિતો મળીને તેમની સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે યોજના ઘડી રહ્યા છે, જ્યારે વડોદરામાં હાલ સંજયનગરના રહીશોને ટેકો આપી શહેર કોંગ્રેસ ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે, ત્યારે હાર્દિક પટેલની સંજયનગરના રહીશો સાથેની મુલાકાત શહેર ભાજપ માટે કોઈ મુશ્કેલીઓ પેદા કરે છે કે કેમ તે ચર્ચાનો વિષય છે.