- સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે
- 11 પરીક્ષા કેન્દ્રમાં 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ. કોરોનાની મહામારી વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષા લેવામાં આવશે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરી છે કે કોરોના કાળમાં પરીક્ષાના 15 દિવસમાં કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
એક પરીક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી
આજથી શરૂ થનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યુનિવર્સિટી હોમીઓપેથી દવાઓ આપશે. કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો 1 લાખની સહાય કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરતા જણાવ્યું છે કે પરીક્ષા બાદના 15 દિવસમાં જો કોઈ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ સહાય કરશે.