અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો બિનધાસ્ત ફર્યા, પશ્ચિમ વિસ્તાર સૂમસામ દેખાયો, કેટલીક જગ્યાએ દુકાનો અડધા શટરે ખુલ્લી દેખાઈ

0
158

જાણે કોરોના છે જ નહીં એમ લોકો બેદરકાર થઈને કર્ફ્યૂમાં પણ બિનધાસ્ત ફરતા જોવા મળ્યા.

  • ગોતાથી સિંધુભવન સુધી પેટ્રોલ પંપ અને મેડિકલ શોપ સિવાય તમામ દુકાનો બંધ, એકલદોકલ વ્યક્તિ રોડ પર ચાલતી દેખાય છે
  • અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ અને થલતેજ પાસેના ટ્રાફિક સિગ્નલ પર રાતે 10.30 વાગે પણ લોકોની ભીડ હતી

(અહેવાલઃ ચેતન પુરોહિત, અદિત પટેલ, આનંદ મોદી)

અમદાવાદમાં કોરોનાના કેસો દિવાળી દરમિયાનની સ્થિતિએ પહોંચી ગયા છે, ત્યારે શહેરમાં ફરીવાર સંક્રમણને રોકવા માટે આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. એમ છતાંય લોકો ગંભીરપણાને ભૂલીને બેફામ થઈને ફરતા જોવા મળી રહ્યા છે. શહેરમાં ગઈકાલે રાત્રે અનેક ટ્રાફિક સિગ્નલો પર વાહનોની ભીડ જોવા મળી હતી. સોસાયટીઓ બહાર લોકો ટોળે વળીને બેઠેલા જોવા મળ્યા હતા. એ ઉપરાંત કર્ફ્યૂ હોવા છતાં અનેક દુકાનો અડધા શટરે ખોલેલી નજરે પડી હતી. આ દરમિયાન પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને બધું જોઈ રહી હતી.

પૂર્વ વિસ્તારમાં લોકો ટોળે વળીને બેઠા
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો 10 વાગ્યા બાદ પણ રોડ રસ્તા પર ફરતા નજરે પડ્યા હતા, જેમાં બાપુનગર વિસ્તારમાં લોકો 10:30 વાગે પણ સોસાયટીની બહાર ટોળું વળીને બેઠા હતા, સાથે કેટલાક લોકો બરફગોળાની મજા માણી રહ્યા હતા. આ તમામ લોકોમાંથી કોઈએ પણ માસ્ક પહેર્યું ન હતું. બાપુનગરમાં લોકો વૉકિંગ કરતા પણ જોવા મળ્યા હતા. અગાઉ જયારે રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારે રોડ પર એક વ્યક્તિ પણ જોવા ન મળે પણ ગુરુવારે તો કર્ફ્યૂ બાદ પણ મોટી સંખ્યામાં લોકો બહાર બેઠા હતા.

શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો કર્ફ્યૂમાં પણ બેફિકર થઈને ફર્યા.

શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો કર્ફ્યૂમાં પણ બેફિકર થઈને ફર્યા.

પશ્ચિમ વિસ્તારમાં રોડ સૂમસામ બન્યા
શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં લોકો બેસવા માટે એસ.જી. હાઇવે પર આવતા હતા, અલગ અલગ કેફે મોડી રાત સુધી લોકોની ભીડથી ભરેલા રહેતા હતા, હોટલ,રેસ્ટોરાં અને ઢાબા પર લોકોની અવરજવર રહેતી હતી એ તમામ જગ્યાઓ કર્ફ્યૂના સમય અગાઉ જ બંધ થઈ હતી. જ્યાં લોકોની ભીડ રહેતી હતી તેવા રોડ રસ્તા અને દુકાનો ખાલીખમ અને સૂમસામ બન્યા હતા. પેટ્રોલપંપ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી. રસ્તા પર ક્યાંક એકલદોકલ લોકો ચાલતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લોકો દેખાયા નહોતા.

કારગિલ પેટ્રોલ પંપ અને થલતેજ વિસ્તારમાં રોડ સૂમસામ દેખાયા.

કારગિલ પેટ્રોલ પંપ અને થલતેજ વિસ્તારમાં રોડ સૂમસામ દેખાયા.

લોકોએ રાત્રિ કર્ફ્યૂનું સ્વેચ્છાએ જ પાલન કર્યું
અગાઉ સંપૂર્ણ લોકડાઉન અને બાદમાં રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવેલું જ છે, જેનો તમામ લોકોને અનુભવ છે જેથી લોકોએ આ વખતે રાત્રિ કર્ફ્યૂનું સ્વેચ્છાએ જ પાલન કર્યું હતું. શહેરનો હાઇવે રોડ હોવાથી બહારથઈ આવતા કેટલાંક વાહનો જતાં જોવા મળ્યાં હતાં, પરંતુ પોલીસ દ્વારા તમામ લોકોને પૂછપરછ કરીને જવા દેવામાં આવતા હતા. કામ વિના બહાર નીકળેલા લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

સોલા વિસ્તારના સ્થાનિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે કેસ વધતાં રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે તો એનું પાલન કરવું જોઈએ. લોકો પાલન નહિ કરે અને કેસ વધશે તો ગયા વર્ષ જેવું સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે, જેને કારણે ધંધા રોજગારમાં અસર પડશે તો લોકોએ સમજીને જ સરકારની ગાઈડલાઈન્સ અને રાત્રિ કર્ફ્યૂનું પાલન કરવું જોઈએ.

ચાણક્યપુરી વિસ્તારમાં એકલદોકલ લોકો ફરતા જોવા મળ્યા.

ચાણક્યપુરી વિસ્તારમાં એકલદોકલ લોકો ફરતા જોવા મળ્યા.

પૂર્વ વિસ્તારમાં પોલીસ પણ મૂકપ્રેક્ષક બની
વાહનોની એટલી અવરજવર હતી કે જરાય લાગે નહીં કે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે. આ તમામની વચ્ચે પોલીસ પણ પસાર થઈ હતી, તેઓ માત્ર સાયરન વગાડીને લોકોને વોર્નિંગ આપી હતી પણ તેમણે કોઈની સામે કાર્યવાહી કરી નહોતી. તેઓ પણ મૂખપ્રેક્ષક બનીને આ બધી ગતિવિધિઓ નજરઅંદાજ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. કોઈ જગ્યાએ પોલીસના ચેકપોઇન્ટ ન હતા એટલે લોકો બેફિકર થઈને ફરી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, કૃષ્ણનગર અને નિકોલમાં રાત્રિ કર્ફ્યૂને લઈને રોડ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

લોકોમાં કર્ફ્યૂના નિયમની ગંભીરતા દેખાતી ન હતી
રાજ્યમાં કોરોનાના વધતા કેસના કારણે તંત્ર દ્વારા રાતે 10 વાગ્યાથી અમદાવાદમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ગુરુવારે રાતે 10 વાગે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યારે લોકોમાં કર્ફ્યૂના નિયમની ગંભીરતા દેખાતી ન હતી. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં 10.30 વાગે પણ શહેરના ટ્રાફિક સિગ્નલ પર ભીડ જોવા મળી હતી. લોકો રસ્તા પર દેખાય હતા.તેમજ અંદરની તરફ આવેલી દુકાનોનાં અડધાં શટર ખુલ્લાં રાખીને દુકાનો ખૂલી રખાઈ હતી.

સાયન્સ સિટી અને સોલામાં પણ લોકોએ કર્ફ્યૂનું પાલન કર્યું.

સાયન્સ સિટી અને સોલામાં પણ લોકોએ કર્ફ્યૂનું પાલન કર્યું.

પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કર્ફ્યૂ સમય દરમિયાન પોલીસ દ્વારા કડક નિયમ પાલન કરાવવાની વાતો કરવામાં આવતી હતી, પણ શહેરીજનો શહેરમાં માર્ગો પર ફરતા દેખાઈ રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ અને થલતેજ પાસેના ટ્રાફિક સિગ્નલ રાતે 10.30 વાગે પણ લોકોની ભીડ હતી. મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી હતી. પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું, જ્યારે અન્ય વિસ્તારમાં પણ પોલીસનું કડક મોનિટરિંગ દેખાતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here