પિતાએ 1 લાખ રૂપિયામાં વેચેલી ઇકો કાર પુત્રએ ચોરી કરીને ફરી વેચી દીધી, 2.78 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

0
381

વડોદરા. વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઇકો કાર ચોરીની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. આ ગુનામાં ખુદ પુત્રએ જ પિતાએ વેચેલી કાર ચોરવા માટે ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જે.પી. રોડ પોલીસે પુત્ર સહિતની ત્રિપુટીને ઝડપી પાડીને ઇકો કાર, રીક્ષા અને મોબાઈલ ફોન સહિત 2.78 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ CCTVની મદદથી આરોપીઓ સુધી પહોંચી
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના અલીફનગરમાં રહેતા સાહિલ શેખે ફરિયાદ નોંધાવી હતી કે, તેણે પોતાના સંબંધી યુસુફ મિયા શેખ પાસેથી રૂપિયા એક લાખ રૂપિયામાં ઇકો કાર લીધી હતી. જે કાર 18 જુલાઇએ ઘરના આંગણેથી ચોરાઈ જતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV કુટેજની બારીકાઇથી ચકાસણી કરતા કાર ચોરીના સમયે કેટલાક શખ્સો રિક્ષામા આંટાફેરા મારતા નજરે ચડ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ કરતા આ ગુનામાં કાર વેચનાર યુસુફ મિયા શેખનો પુત્ર સાદિક યુસુફ મિયા શેખે જ પિતાની કાર ચોરી કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી.

પોલીસે આરોપીના સાગરીત અને કાર ખરીદનારની પણ ધરકપડ કરી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીએ તેણે જણાવ્યું હતું કે, રૂપિયાની જરૂરીયાત હોવાથી પિતા વેચેલી કાર પાછી લાવતા ન હતા, જેથી મિત્ર સાથે ચોરીનો પ્લાન ઘડ્યો હતો આ ગુનામાં પોલીસે તેના સાગરીત જલાલુદિન ઈકરામુદિન શેખ(રહેસ હાજીની ચાલી, અમદાવાદ) અને કાર ખરીદનાર ઇમરાન મુસ્તાક શેખ(રહે, સૂફીયાન પાર્ક, નવરંગ સ્કૂલ પાછળ, વડોદરા)ની ધરપકડ કરી છે અને બે લાખની કિંમતની ઇકો કાર તથા ગુના સમયે ઉપયોગમાં લીધેલા રૂપિયા 70 હજાર કિંમતની રીક્ષા અને 3 મોબાઈલ ફોન સહિત રૂપિયા 2,78,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.