સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દર્દીઓની એકલતા દૂર કરવા 1500 પુસ્તકો સાથે પરબ શરૂ કરાઈ

0
337
  • કરૂણા ટ્રસ્ટ દ્વારા નવી સિવિલમાં પુસ્તક પરબ શરૂ કરાઈ છે
  • જુદી જુદી ભાષાના મનોબળ વધારતા પુસ્તકો દર્દીઓને અપાશે

સુરત. નવી સિવિલની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે વિવિધ ભાષાના 1500 પુસ્તકોની પરબ ઉભી કરવામાં આવી છે. માનસિક રોગ વિભાગના સાઈકિયાટ્રીસ્ટ ડો. ઋતમ્ભરા મહેતાની પ્રેરણાથી સુરતના કરૂણા ટ્રસ્ટ દ્વારા વાંચન રસિયા કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

લાઈબ્રેરી કોન્સેપ્ટ શરૂ કરાયો
સિવિલ કેમ્પસમાં આવેલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના માનસિક રોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ એકલતા અનૂભવતા હોય અને માનસિક રીતે ચિંતા કરતા હોય તેને ધ્યાન રાખીને કરૂણા ટ્રસ્ટે જુદી જુદી ભાષામાં 1500 જેટલાં સારા જ્ઞાનવર્ધક પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં છે. કોવિડ વોર્ડના ડોક્ટર્સ અને સેવા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી જેવી વિવિધ ભાષાના પુસ્તકોનું દર્દીઓની પસંદગી મુજબ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્ઞાનની પરબ સમાન લાઈબ્રેરી જેવો કોન્સેપ્ટ કોવિડ હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો છે.

પુસ્તકોથી સમય પસાર થશે
નવી સિવિલ અને કરૂણા ટ્રસ્ટની અનોખી પહેલ અંગે માનસિક રોગ વિભાગના ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ ડો. અમિબેન પાઠકે કહ્યું કે, કોવિડના દર્દીઓની માતૃભાષાને અનુરૂપ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે દર્દીઓ સમય કેમ પસાર થશે તેની ચિંતામાં હોય છે, ત્યારે પુસ્તકોના વાંચનથી દર્દીનું મનોબળ મક્કમ બને, તે પ્રવૃત્તિમય રહે અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે એ હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. એક સારા પુસ્તકનો સંગ એક સત્સંગ જેવો છે, પુસ્તકોના વાંચનથી પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય છે, વાંચન માનવીને માનસિક શાતા આપે છે, જે કોવિડ દર્દીઓને ઝડપી રિકવર થવામાં ઉપયોગી થશે એ અમારો મુખ્ય ઉદ્દેશ હોવાનું ડો.પાઠક કહે છે.

પુસ્તકોથી મોટીવેશન મળી શકે
માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડો. શ્રેયસી કોવિડ કાળના અનુભવો દર્દીઓના માનસ અંગે જણાવ્યું કે, ‘મારી મે મહિનાથી સિવિલ કોવિડ વોર્ડમાં પોસ્ટિંગ થઈ હતી. દર્દીઓ સાથેની વાતચીત દરમિયાન અનુભવ્યું કે ઘણીવાર દર્દીઓ માનસિક રીતે હતાશ હોય ત્યારે સ્વજનો સાથે પણ સરખી વાત નથી કરી શકતા. કોવિડ વોર્ડમાં મોટા ભાગનો સમય એકલા રહેવાનું હોવાથી સમય પસાર કરવો મુશ્કેલ હોય છે. પુસ્તકોના વાંચનથી તેમનો સમય સુખરૂપ પસાર થાય છે. દર્દીઓને મોટીવેશન અને બિમારી સામે લડવાની તાકાત પ્રાપ્ત થશે. સારા વાંચનથી દર્દીઓમાં આશા અને ઉત્સાહ સંચાર થાય છે. મહાપુરૂષોના જીવનચરિત્રો, શૌર્યકથા, મોટિવેશન, ધાર્મિક પુસ્તકો વાંચવાથી માનસિક તણાવ દૂર થાય છે, જે દર્દીઓને સ્વસ્થ થવામાં મોટી ભૂમિકા ભજવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here