કોરોનાની સારવાર લીધા બાદ 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહો, 162 લોકોને પ્લાઝમા થેરાપીથી ફાયદો થયો-મ્યુ.કમિશનર

0
353
  • કોરોનાની સારવાર લઈ સાજા થનારા દર્દીઓ પ્લાઝમા દાન કરે તેવી અપીલ
  • કોરોના સંક્રમણને અટકાવવા શહેરની જનતાને મ્યુ.કમિશનરના ત્રણ સંદેશ

સુરત. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરની જનતાને ત્રણ સંદેશ આપી તેનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. જેમાં સૌપ્રથમ પાનીએ હાલમાં કોવિડની સારવાર લઇ સ્વસ્થ થઇ ઘરે પરત આવેલા દર્દીઓને અનુરોધ કર્યો છે કે, કોરોનામુક્ત થયેલા દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું ફરજિયાત છે, અને તેમણે પોતાનું ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરતા રહેવું. જે દર્દીઓ હાલ હોમ આઈસોલેટેડ છે, તેઓ 14 દિવસ પૂર્ણ થયા બાદ જ ઘરની બહાર નીકળી શકશે. પરંતુ જો આ અવધિ પૂર્ણ થતા પહેલા કોઈ દર્દી ઘરની બહાર નીકળશે તો તેની સામે એફઆઈઆર નોંધીને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો
પાનીએ બીજા સંદેશમાં જણાવ્યું કે, શહેરની કોઈ પણ વ્યક્તિને કોવિડના લક્ષણો જેવા કે, શરદી, ખાંસી, ઉધરસ, તાવ કે માથાનો દુ:ખાવો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી, જ્યાં રેપિડ ટેસ્ટીંગની સુવિધા હોવાથી જરૂર પડે તો રેપિડ ટેસ્ટ કરાવી આગળની સારવાર શરૂ કરાવવી. કોઈપણ વ્યક્તિએ ફેક ન્યુઝ- અફવા ફેલાવી સમાજમાં ભયનો માહોલ ઉભો ન કરવો. કોરોના કેસની સંખ્યા વધતા હોટસ્પોટ બની રહેલા વિસ્તારો જેવાં કે, રાંદેર અને અઠવા ત્યારબાદ ભટાર, અંબાનગર, પાલ, અડાજણ, પાલનપુર પાટિયા, પુણા ગામ, સીમાડા, નાના વરાછા, ઉધના, પાંડેસરા, એલ.એચ રોડ, એ.કે.રોડ, ગોડાદરા, બોમ્બે માર્કેટ એરિયા, કરંજ, ડીંડોલી, સગરામપુરા, બેગમપુરા, નાનાપુરા, રૂસ્તમપુરા જેવા વિસ્તારના રહેવાસીઓએ તેમના ઘરે કામ કરવા આવતા નોકર-કામવાળી બહેનો સંભવિત રીતે કોરોના સંક્રમિત હોઈ શકે છે, જેથી તેમને હાલ પૂરતાં કામ કરવા ન બોલાવવા તેવી અપીલ પાનીએ કરી હતી.

પ્લાઝમા દાન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી
ત્રીજો સંદેશો આપતા મ્યુ. કમિશનરએ જણાવ્યું હતું કે, કોવિડની સારવારથી સ્વસ્થ થયેલા 18 થી 65 વયના દર્દીઓ જેમનુ વજન 50 કિગ્રાથી વધુ હોય, આગળ કોઈ અન્ય બિમારી ન હોય, અને RTPCR ટેસ્ટ બે વખત નેગેટિવ આવ્યા હોય તે તમામ વ્યક્તિઓ કોરોનામુક્ત થઈ ડિસ્ચાર્જ થયાનાં 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. અત્યાર સુધીમાં 162 લોકોને પ્લાઝમા થેરાપીથી ફાયદો થયો છે. જેથી સાજા થયેલા દર્દીઓ માનવતાના આ કાર્યમાં સાથ આપી અન્ય દર્દીઓને નવજીવન આપવા આગળ આવે એવી તેમણે અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારની નબળાઈ નથી અનુભવાતી, અને એકવાર પ્લાઝમા દાન કર્યાં પછી પ્લાઝમા બેંકના ડોક્ટર્સની સલાહ મુજબ ફરીથી પ્લાઝમા દાન કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here