- પરમબીર સિંહે અરજીમાં પોતાના આરોપ સાથે જોડાયેલા ઘણા પુરાવા પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે
મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવેલા પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા લાંચના આરોપીની CBI તપાસની માગ કરી છે. આ અંગે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તાજેતરમાં જ પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર(API) સચિન વઝેને ગૃહમંત્રી અનિલ દેશમુખનું સંરક્ષણ હતું અને તેમણે વઝેને મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું હતું.
લેટરમાં કહેવામાં આવ્યું કે પોતાનાં ખોટાં કામોને છુપાવવા માટે મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. પરમબીર સિંહે અરજીમાં પોતાના આરોપ સાથે જોડાયેલા ઘણા પુરાવા પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે અરજી મંજૂર કરી લીધી છે.

પરમબીરે લેટરમાં લખ્યું- ગૃહમંત્રીએ ટાર્ગેટ આપ્યો
લેટરમાં પરમબીરે લખ્યું છે એ તમને કહેવા માગું છું કે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને ઘણી વખત પોતાના અધિકારિક બંગલો જ્ઞાનેશ્વર ખાતે બોલાવ્યા અને ફન્ડ કલેક્ટ કરવાના આદેશ આપ્યા. તેમણે આ પૈસા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામે જમા કરવા માટે કહ્યું. આ દરમિયાન તેમના પર્સનલ સેક્રેટરી મિસ્ટર પલાંડે પણ ત્યાં હાજર રહેતા હતા. ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.
શરદ પવારને પણ આ મામલાની માહિતી આપી
પરમબીર સિંહે આગળ લખ્યું છે, મેં આ મામલાને લઈને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર અને NCP ચીફ શરદ પવારને પણ બ્રીફ કર્યું છે. મારી સાથે જે પણ થયું એ ખોટું થયું, આ અંગેની માહિતી મેં શરદ પવારને પણ આપી છે.