સવા ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, અખબારનંગર અંડરપાસ બંધ કરાયો

0
182
  • આખા શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • એક્સપ્રેસ વે પર ભયંકર વરસાદ છે અને વિઝિબિલિટી પૂઅર છે, બે ફૂટ આગળ કશું દેખાતું નથી

અમદાવાદ. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું સમી સાંજે આગમન થયું છે. માત્ર સવા ઈંચ વરસાદમાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. સરેરાશ સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. જ્યારે શહેરના શિવરંજની, શ્યામલ, કેશવ બાગ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે.

શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા
શહેરના શ્યામલ, શિવરંજની, કેશવબાગ, માનસી, વસ્ત્રાપુર, આલ્ફાવન મોલ આસપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. એસ.જી.હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર. નવાવાડજમાં વ્યાસવાડી વિસ્તાર તેમજ 132 ફુટ રિંગ રોડ પર ભાવસાર હોસ્ટેલ પાસેના જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. મેમનગરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના ચાંદખેડા આઈઓસી રોડ, ત્રાગડ રોડ, પવિત્ર એનકલેવ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અનેક વાહનચાલકોના વાહન બંધ થઈ ગયા હતા. પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે.

સમગ્ર શહેરમાં મેઘમહેર
એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વમાં વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને રાહતનો અનુભવ થયો હતો.

એક્સ્પ્રેસ વે સહિતના માર્ગો પર વિઝિબિલિટી ઘટી
પવન સાથે ભારે વરસાદને પગલે એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી પૂઅર થઈ છે, બે ફૂટ આગળ કશું દેખાતું ન હોવાનું વાહનચાલકો કહી રહ્યા છે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ ધોધમાર વરસાદ અને પવનને પગલે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here