ગોપાલ ઈટાલિયાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત. પોણો કલાક સુધી ગુજરાતના આ મુદ્દાઓ પર ચાલી વાતચિત

0
575

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં પેટા ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ દેખાતી નથી, તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી થાય તેના માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપ દ્વારા પણ આગામી ચૂંટણીઓ પોતાના નામે થશે તેવો મત પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ હવે આ ખાલી પડેલી બેઠકો પર મીટ માંડીને બેઠા છે.

આ સમયે આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને કેટલીક બાબતો પર ચર્ચાઓ કરી હતી. તેમણે કઈ કઈ બાબતો પર ચર્ચા કરી હતી તે પણ અહીં જાણીશું. ગોપાલ ઈટાલીયાએ આ મામલે કહ્યું કે, મુખમંત્રીએ ૪૫ મિનિટ જેટલો વ્યક્તિગત સમય ફાળવીને ગુજરાતના તમામ નાના-મોટા પ્રશ્નો, પાર્ટી સંગઠનની બાબત અને પાર્ટીના કાર્ય અંગે વિસ્તૃત ચર્ચા કરવાની મને તક આપેલ, એ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આ મિટિંગમાં ગુજરાતના ખેડૂતોના પાકવીમા, જમીન રિસર્વે સહિતના પ્રશ્નો, બેરોજગારોની સમસ્યા, સરકારી ભરતી કૌભાંડો, ભાજપ-કોંગ્રેસ દ્વારા ચાલતો શિક્ષણના વેપાર, કોરોનામાં સરકારની નિશ્ફળતા, દંડના નામે ચાલતી લૂંટફાટ, પોલીસ યુનિયનના પ્રશ્નો, વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓના પે-ગ્રેડના પ્રશ્નો, ભાજપના નેતાઓની ગુંડાગિરી, કેવડિયા ખાતે આદિવાસીઓની જમીનના પ્રશ્ન, ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતોમાં ચાલતો ભ્રષ્ટાચાર, મહિલાઓની સામાજિક તેમજ રાજકીય ભાગીદારી, ભાજપ-કોંગ્રેસની સ્થિતિ તેમજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનોને રાજનીતિમાં તક આપવા સહિતની વિવિધ બાબતો ઉપર ઘણી ચર્ચા કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલિયાના કહ્યા મુજબ આ મિટિંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ખાસ તો શિક્ષણ, આરોગ્ય, કર્મચારીઓનું શોષણ અને યુવારાજનીતિ ઉપર વિશેષ ભાર આપતા જણાવ્યું હતું કે, 

૧) સરકાર પાસેથી શિક્ષણ અને આરોગ્ય મફત મેળવવું એ દરેક માણસનો અધિકાર છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને તેના મળતીયાઓ દ્વારા શિક્ષણને વેપાર બનાવી દીધેલ છે ત્યારે ગુજરાતમાં પણ દિલ્લી જેવી મફત અને સુવિધાવાળી સરકારી શાળાઓ બનવી જોઈએ. આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવાના મુદ્દે લોકસંપર્ક કરી અને દિલ્લીની જેમ મફત અને સુવિધવાળું શિક્ષણ અને આરોગ્ય સેવા પુરી પાડવા સતત સક્રિય રહેશે.

૨) વિશેષમાં તેઓએ જણાવેલ કે ગુજરાતમાં વારંવાર સરકારી ભરતી કૌભાંડ થવાના કારણે પ્રતિભાશાળી યુવાનોને સતત અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના લાખો હોશિયાર, મહેનતુ અને પ્રતિભાશાળી યુવાનોની વર્ષોથી અન્યાયનો ભોગ બન્યા છે ત્યારે ગુજરાતના તમામ યુવાનોને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાર્ટી વતી ઉમેદવારી કરવાની તક અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. કેજરીવાલજીએ પણ જણાવેલ કે દરેક સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 70% જેટલા યુવાન ઉમેદવારોને તક આપવામાં આવશે, અને જે યુવાનોને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એમને પાર્ટીનો સંપર્ક કરીને તમામ રીતે પ્રોત્સાહિત કરવા.

૩) ગુજરાતના તમામ વિભાગમાં આઉટસોર્સિંગ, કોન્ટ્રાકટ, ફિક્સ પગારથી નિમણુંક આપીને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેમજ યુવાનોનું આર્થિક, માનસિક અને શ્રમનું શોષણ કરવામાં આવે છે.

ઈટાલિયાએ એવું પણ કહ્યું કે, દેશમાં સૌ પ્રથમવાર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાને રાજનીતિમાં મહત્વનો મુદ્દો બનાવનાર, શિક્ષિત અને ઈમાનદાર મુખ્યમંત્રીને મળીને ખૂબ જ ખુશી થઈ. આમ આદમી પાર્ટીમાં જોડાવા, ચૂંટણીમાં ઉમેદવાર બનવા, કાર્યકર્તા તરીકે જોડાવા, અન્ય કોઈ મદદ કરવા માટે ઈચ્છતા સૌ સાથીઓ-નાગરિકોનું હંમેશા સ્વાગત છે.