મુંબઈની આ આર્ટિસ્ટે દેશના સ્લમ એરિયાને પોતાની કલાથી કલરફુલ બનાવ્યો, ધારાવીનાં દોઢ લાખ ઘરોની કાયાપલટ કરી

0
363
  • જાન્યુઆરી,2018થી ‘મિસાલ મુંબઈ અભિયાન’ શરૂ કર્યું
  • 15 વર્ષમાં 800 મૂર્તિઓ અને પેઇન્ટિંગ બનાવી ચૂકેલી રૂબલ આંગણવાડી પણ ચલાવે છે

મુંબઈની આર્ટિસ્ટ રૂબલ નેગીએ પોતાનું સંપૂર્ણ જીવન કલાને સમર્પિત કર્યું છે. તે છેલ્લા 2 દાયકાથી પેઇન્ટિંગ કરે છે. આ કલાકારે મુંબઈની ઝૂંપડપટ્ટીને રંગીને તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે. તેણે જાન્યુઆરી,2018થી ‘મિસાલ મુંબઈ અભિયાન’ શરુ કર્યું, એ હેઠળ રૂબલની ટીમે અત્યારસુધી આશરે દોઢ લાખ ઘરને રંગ્યાં છે. તેમની દીવાલો કલરફુલ બનાવી. રૂબલ અત્યારસુધી મહારાષ્ટ્રની આશરે 30 ઝૂંપડપટ્ટી અને ગામની તસવીર બદલી ચૂકી છે.

15 વર્ષમાં 800 મૂર્તિ અને પેઇન્ટિંગ બનાવી ચૂકેલી રૂબલ આંગણવાડી પણ ચલાવે છે, જેથી બાળકોને જરૂરી શિક્ષણ મળી શકે. તેમની સંસ્થા દેશમાં બાળકો માટે આર્ટ વર્કશોપનું આયોજન કરે છે. તે પોતાની કલાને લોકો સાથે જોડવાનું એક માધ્યમ ગણે છે. રૂબલ કહે છે, આ જ એક માધ્યમ છે જે લોકોને સામાજિક મુદ્દા ઉઠાવવા અને એના પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી શકે છે. રૂબલને પેઇન્ટિંગ બનાવવાની સામાન્ય લોકોમાંથી જ પ્રેરણા મળે છે. તે પેન્ટિંગમાં શિક્ષણ, મહિલા સશક્તીકરણ, રોજગાર જેવા મુદ્દા વર્ણવે છે, સાથે જ વર્કશોપમાં સેનિટાઈઝેશન અને હાઈજીન વિશે લોકોને સમજાવે છે.

લોકોની જિંદગી રંગીન બનાવતી રૂબલે​​​ કહ્યું, જે ઘરો પર કલર કર્યા છે એ થોડા દિવસ પછી આછા થઈ જશે, પરંતુ આ કલરના માધ્યમથી લોકોના વિચાર પોઝિટિવ થયા છે, એ હંમેશાં નવી ઊર્જા આપશે. રૂબલના ફાઉન્ડેશને અત્યારસુધી મહારાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં પણ સ્લમ એરિયાની રોનક બદલી દીધી છે.