જામનગર વેપારી મહામંડળે સાંજે 6 કલાકે દુકાનો બંધના અનુરોધ પર પૂર્ણવિરામ મૂકયું

0
242

સરકારની સમયમર્યાદા મુજબ વેપારીઓ વેપાર-ધંધા ચાલુ રાખી શકશે: પ્રમુખ


 જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મહામંડળે સાંજે 6 કલાકે દુકાનો બંધ કરવા વેપારીઓને કરેલા અનુરોધ પર હવે શુક્રવારે પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યંુ છે. કોરોના નિયંત્રણ માટે અપીલ કરવામાં આવી હતી પણ અસંમજસની સ્થિતિ ઉભી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે માટે સરકારની સમયમર્યાદા મુજબ વેપારીઓ વેપાર-ધંધા ચાલુ રાખી શકશે તેમ વેપારી મહામંડળના પ્રમુએ જણાવ્યું છે.

શહેરમાં કોરોનાની મહામારી ઉત્તરોત્તર વધતા વિકટ પરિસ્થિતિ ઉભી થઇ
જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની મહામારી ઉત્તરોત્તર વધતા વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. આ કારણોસર વેપારી મહામંડળે વેપારી વર્ગને સાંજે છ વાગ્યે દુકાનો બંધ કરી કોરોના મહામારીને રોકવામાં વહીવટીતંત્રને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. પરંતુ વેપારી મહામંડળ દ્વારા કરાયેલા અનુરોધના કારણે જે અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. આથી વેપારી મહામંડળે સાંજે 6 વાગ્યે દુકાનો બંધ કરવા માટે કરેલા અનુરોધ પર પૂર્ણ વિરામ મૂકયું છે. વેપારીઓનો મિજાજ કોરોનાની સામે લડાઇ લડવાનો છે, જે બિરદાવાલાયક છે. જામનગર વેપારી મહામંડળનો ધ્યેય વેપારી આલમમાં દ્વિધાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવો નથી. આથી રાજ્ય સરકાર દ્વારા જે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તે સમય દરમિયાન જામનગરનો વેપારીવર્ગ વેપાર-ધંધા રાબેતા મુજબ ચાલુ રાખે અને વેપારી વર્ગ પોતાની જાતને સુરક્ષિત રાખે એમ પણ જામનગર વેપારી મહામંડળના પ્રમુખે પોતાના નિવેદનમાં ઉમેર્યુ હતું.

મતમતાંતર – મોટાભાગના વેપારીઓએ અસહમતિ દર્શાવીને દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી હતી

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ જેટગતિએ વધતા જિલ્લા વહીવટીતંત્ર દ્રારા માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહીતની તકેદારી અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારી મહામંડળે શહેરના વેપારીઓને સરકારની ગાઇડ લાઇન મુજબ રાત્રીના 8 ના બદલે સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પરંતુ મોટાભાગના વેપારીઓએ વેપારી મહામંડળના આ સ્વૈચ્છિક અનુરોધ સામે અસહમતિ દર્શાવી હતી અને રાબેતા મુજબ રાત્રીના 8 વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખ્યા હતાં. જેના કારણે મતમતાંતરની સ્થિતિ સર્જાઇ હતી.

અહેવાલ:- સાગર પટેલ, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here