કેપ્ટન બત્રા તો કહીને ગયા હતા કે તિરંગો લહેરાવીને આવીશ નહીં તો તેમા લપેટાઈને આવીશ, કેપ્ટન અનુજે કહ્યું હતું કે, જ્યાં સુધી છેલ્લો દુશ્મન છે, હું શ્વાસ લેતો રહીશ

0
379
  • કેપ્ટન સૌરભ કાલિયા કારગિલ વોરના પહેલા શહીદ હતા, તેમની સાથે બીજા 5 જવાનોએ પણ બલિદાન આપ્યું હતું.
  • સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવને 17 ગોળીઓ વાગી, દુશ્મનોએ તેમને મૃત સમજી લીધા, તેના પછી તેમણે પાકિસ્તાનના ઘણા જવાનોને ઠાર માર્યા.

નવી દિલ્હી. આજનો દિવસ આપણા દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, શૌર્યનો દિવસ છે, વિજય દિવસ છે. ઠીક 21 વર્ષ પહેલા 26 જુલાઈ 1999ના રોજ ભારતીય જવાનોએ કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી અને પાકિસ્તાનને હરાવ્યું હતું. લગભગ 2 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા. આજે દેશ અમર જવાનોની શહીદીને નમન કરે છે, તેમની શૌર્ય ગાથાના ગુણગાન કરી રહ્યો છે. આ અવસરે વાંચીએ કારગિલના 10 શૂરવીરોની કહાની…

1. કેપ્ટન સૌરભ કાલિયા

કેપ્ટન સૌરભ કાલિયા કારગિલ વોરના પહેલા શહીદ હતા. તેમની સાથે વધુ અન્ય પાંચ જવાનોએ પણ બલિદાન આપ્યું હતું. 3 મે 1999ના રોજ એક ભરવાડે કારગિલના ઊંચા શિખર પર પાકિસ્તાની સૈનિકોને જોયા હોવાની માહિતી ઈન્ડિયન આર્મીને આપી હતી. ત્યારપછી 15મેના રોજ કેપ્ટન કાલિયા તેમના 5 જવાનો સાથે બજરંગ પોસ્ટ તરફ નીકળી પડ્યા હતા. ત્યાં તેમણે દુશ્મનોનો મુકાબલો કર્યો.
પરંતુ જ્યારે તેમનો દારૂગોળો ખતમ થઈ ગયો તો પાકિસ્તાને તેમણે બંધક બનાવી લીધા. આ દરમિયાન પાકિસ્તાનીઓએ તેમને એટલી હદે વેદના આપી અને છેલ્લે તેમની ગોળી મારી દીધી. 22 દિવસ પછી 9 જૂને કેપ્ટન કાલિયાનો મૃતદેહ ભારતને સોંપવામાં આવ્યો હતો. એ વખતે તેમના ચહેરા પર ન આખો હતી ન તો નાક-કાન હતા. માત્ર આઈબ્રો જ બાકી હતી.જેનાથી બોડીની ઓળખ થઈ શકી.

2.કેપ્ટન વિક્રમ બત્રા

કેપ્ટન વિક્રમ બત્રા એક એવા યોદ્ધા હતા જેમનાથી દુશ્મનો પણ ફફડતા હતા, એક એવા યોદ્ધા જેમની બહાદુરીના વખાણ દુશ્મન પણ કરતા હતા, એક એવા યોદ્ધા જે એક શિખર પર તિરંગો લહેરાવ્યા પછી કહેતો હતો કે, ‘દિલ માંગે મોર’ અને બીજા મિશન માટે નીકળી પડતા હતા. વિક્રમ બત્રાની 13 જમ્મુ એન્ડ કાશ્મીર રાયફલ્સમાં 6 ડિસેમ્બર 1997ના રોજ લેફ્ટિનેન્ટના પોસ્ટ પર જોઈનિંગ થયું હતું. બે વર્ષની અંદર જ તે કેપ્ટન બની ગયા. કારગિલ દરમિયાન તેમણે 5 પોઈન્ટ્સ જીતવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
લડાઈ વખતે તેમણે જીવની ચિંતા કર્યા વગર ઘણા સાથીઓને બચાવ્યા હતા. 7 જુલાઈ 1999ના રોજ એક સાથીને બચાવતી વખતે તેમને ગોળી વાગી ગઈ અને તે શહીદ થઈ ગયા. તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના વિશે એ સમયના ઈન્ડિયન આર્મી ચીફ વીપી મલિકે કહ્યું હતું કે જો તે જીવતા પાછા આવ્યા હોત તો તે મારી જગ્યાએ હોત.

3. સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવ

સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવની બહાદૂરીની કહાની રસપ્રદ છે. તેમણે લગભગ 19 વર્ષની ઉંમરમાં 17 હજાર ફુટ ઊંચી ટાઈગર હિલને પાકિસ્તાનના કબજામાંથી છોડાવી હતી. યુદ્ધ દરમિયાન યોગેન્દ્રને 15 ગોળી વાગી હતી, તે બેભાન થઈ ગયા હતા.પાકિસ્તાનીઓને લાગ્યું કે, તેમનું મોત થઈ ગયું છે, પછી તેમણે ખાતરી કરવા માટે વધુ બે ગોળી મારી. પણ સદનસીબે તેઓ બચી ગયા અને પછી તેમણે એ જ વખતે પાંચ પાકિસ્તાનીઓને માર્યા હતા. યોગેન્દ્રને તેમની બહાદૂરી માટે સેનાનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

4. મેજર રાજેશ સિંહ અધિકારી

મેજર રાજેશ સિંહનો જન્મ 25 ડિસેમ્બર 1970ના રોજ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. 11 ડિસેમ્બર 1993ના રોજ તે ઈન્ડિયન મિલેટ્રી એકેડમીમાંથી ટ્રેનિંગ પછી ઈન્ફેંટ્રી રેજિમેન્ટનો ભાગ બની ગયા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન તે 18 ગ્રેનેડિયરનો ભાગ હતા. 29મે 1999ના રોજ ભારતીય સેનાએ તોલોલિંગ પર કબજો કરી લીધો હતો.
ત્યારપછી 30 મેના રોજ મેજર રાજેશ અધિકારીની ટીમને તોલોલિંગથી આગળની પોસ્ટને દુશ્મનોનો કબજાથી છોડાવવાની જવાબદારી મળી હતી. રાજેશ ટીમને લીડ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગી હતી પણ તેમણે એ વખતે પીછેહટ કરવાની ના પાડી દીધી હતી. ગોળી વાગ્યા પછી પણ તે લડતા રહ્યા અને ત્રણ દુશ્મનોને ઠાર માર્યા. 30 મે 1999ના રોજ તે શહીદ થઈ ગયા. તેમને મરણોપરાંત બીજા સર્વોચ્ચ ભારતીય સૈન્ય સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


5. મેજર વિવેક ગુપ્તા

મેજર વિવેક ગુપ્તાનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. તેમના પિતા કર્નલ બીઆરએસ ગુપ્તા પણ એક સૈનિક હતા. એનડીએની પરીક્ષા પાસ કર્યા પછી તેમનું પહેલું પોસ્ટિંગ 13 જૂન 1992ના રોજ 2 રાજપૂતાના રાઈફલ્સમાં થયું હતું. કારગીલ યુદ્ધ દરમિયાન તેમની ટીમને પોઈન્ટ 4590ને દુશ્મનના કબજામાંથી છોડાવવાની જવાબદારી મળી હતી.

12 જૂને તેમની ટીમ રવાના થઈ ગઈ હતી. દુશ્મન ઊંચાઈ પર હતા, તેમને ખબર પડી ગઈ કે ભારતીય સેના આવી ગઈ છે. બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું હતું. મેજર ગુપ્તાને બે ગોળીઓ વાગી પણ તેમ છતા તેમણે ત્રણ દુશ્મનોને ઠાર કર્યા હતા અને પાકિસ્તાનના ઘણા બંકરોને તોડી પાડ્યા હતા. 13 જૂન 1999ના રોજ મેજર વિવેક ગુપ્તા શહીદ થઈ ગયા. તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

6. મેજર ડીપી સિંહ

મેજર ડીપી સિંહ એક એવા યોદ્ધા હતા જેમણે ક્યારેય હાર માની નથી. તેમના જુસ્સા સામે તો પહાડ જેવી મુશ્કેલીઓ પણ નાની પડે છે. કારગિલ યુદ્ધ દરમિયાન તે ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમનો એક પગ ખરાબ રીતે ઘવાયો હતો, શરીરના બાકીના ભાગો પર પણ 40થી વધુ ઘા હતા.
શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા હતા પરંતુ તેમ છતા તે બચી ગયા. આજે તે બ્લેડ રનરના નામે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ચાર વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ચુક્યા છે.

7.કેપ્ટન મનોજ પાંડે


કેપ્ટન મનોજ પાંડેનો જન્મ યુપીના સીતાપુર જિલ્લામાં 25 જૂન 1975ના રોજ થયો હતો. 12માં પછી તેમણે NDAની પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ પછી 11 ગોરખા રાઈફલ્સમાં પહેલું પોસ્ટિંગ મળ્યું. કારગીલ યુદ્ધ દરમિયાન તેમને 3 જુલાઈ 1999ના રોજ ખાલુબાર શિખર પર કબજો કરવાનું ટાર્ગેટ મળ્યું હતું. શિખર પર પહોંચ્યા પછી તેમને પાકિસ્તાનીઓને મજબૂતાઈથી મુકાબલો કર્યો અને એક પછી એક દુશ્મનોને ઠાર માર્યા. આ દરમિયાન તેમને ગોળી વાગી પણ તેમ છતા તેમણે હાર ન માની અને અંતિમ શ્વાસ લેતા પહેલા પાકિસ્તાનના ચાર બંકરોને નષ્ટ કરી દીધા. 3 જુલાઈ 1999ના રોજ તે શહીદ થઈ ગયા. તેમને મરણોપરાંત પરમવીર ચક્ર આપવામાં આવ્યો.

8. કેપ્ટન નવીન નાગપ્પા


કેપ્ટન નવીન નાગપ્પા કારગિલ યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગભગ 21 મહિના દિલ્હી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. આ દરમિયાન 8 સર્જરી થઈ હતી.ત્યાર પછી તેમને સર્વિસ માટે મેડિકલી અનફિટ કહેવાયા હતા. તે માત્ર 6 મહિના જ સર્વિસમાં રહી શક્યા હતા. ત્યારપછી તેમણે 2000માં ઈન્ડિયન એન્જિનીયરીંગ સર્વિસેજની પરીક્ષા પાસ કરી. આજે તે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં બેંગલુરુના આર્મી બેઝ કેમ્પમાં સુપરિડેન્ટેન્ટ એન્જિનીયર છે.

9. કેપ્ટન અનુજ નૈય્યર


અનુજ નૈય્યરનો જન્મ 28 ઓગસ્ટ 1975ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા એસ કે નૈય્યર દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા જ્યારે તેમના માતા દિલ્હી વિશ્વવિદ્યાલયના સાઉથ કેમ્પસની લાઈબ્રેરીમાં કામ કરતા હતા. 12માં પછી અનુજે NDAની પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ પછી 17 જાટ રેજિમેન્ટમાં ભરતી થયા.કારગિલ યુદ્ધ દરમિયાન અનુજે દુશ્મનોનો મુકાબલો કર્યો હતો. પોઈન્ટ 4875 પર તિરંગો લહેરાવવામાં શહીદ અનુજે મહત્વની ભૂમિકા અદા કરી હતી. લગભગ 24 વર્ષની ઉંમરમાં અનુજે પાકિસ્તાનના ઘણા બંકરોને તોડી પાડ્યા હતા અને 9 દુશ્મનોને ઠાર માર્યા.
7 જુલાઈ 1999ના રોજ અનુજ શહીદ થયા હતા. તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. અનુજ વિશે એક રસપ્રદ કહાની છે. અનુજની સગાઈ થઈ ગઈ હતી, થોડા સમયમાં તેમના લગ્ન પણ થવાના હતા. જ્યારે તે કારગીલમાં લડાઈ માટે જઈ રહ્યા હતા તો તેમણે તેમની વીંટી તેમના કમાંડિંગ ઓફિસરને આપીને કહ્યું કે, જો હું પાછો ન આવું તો રિંગ મારી મંગેતર સુધી પહોંચાડી દેજો. તેમણે કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારી આ વીંટી દુશ્મનના હાથમાં આવે.

10. કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપરનો જન્મ 26 ડિસેમ્બર 1976માં થયો હતો. તેમના પરિવારમાં પણ બધા આર્મીમાં હતા. પરદાદા ડો. કેપ્ટન કર્તા રામ થાપર, દાદા જેએસ થાપર અને પિતા કર્નલ વીએન થાપર બધા જ સેનામાં હતા. ડિસેમ્બર 1998માં કમિશન પછી 2 રાજપૂતાના રાઈફલ્સમાં પોસ્ટિંગ મળ્યું. એક મહિનો ગ્વાલિયર રહ્યા અને પછી કાશ્મીરમાં એન્ટી ઈન્સર્જેન્સી ઓપરેશન માટે નીકળી પડ્યા.
કારગિલ યુદ્ધમાં તેમણે તોલોતિંગ પર કબજો કરવાનો ટાર્ગેટ મળ્યો હતો. તેમણે પાકિસ્તાનના ઘણા બંકરો તોડી પાડ્યા હતા. લાંબી લડાઈ ચાલી અને 13 જૂન 1999ના રોજ તોલોલિંગ પર ભારતે કબજો કરી લીધો. આ ભારતની પહેલી જીત હતી. ત્યારપછી તેમણે 28 જૂન 1999ના રોજ નોલ એન્ડ લોન હિલ પર ‘થ્રી પિંપલ્સ’માંથી પાકિસ્તાનીઓ ભગાડવાની જવાબદારી મળી. આ યુદ્ધમાં ભારતે તેમના ઘણા સૈનિકોને ગુમાવ્યા હતા, પણ 29 જૂને આપણી સેનાએ થ્રી પિંપલ્સ પર તિરંગો લહેરાવ્યો હતો.

કેપ્ટન થાપર 29 જૂન 1999ના રોજ શહીદ થયા હતા. તેમણે મરણોપરાંત વીર ચક્ર આપવામાં આવ્યો હતો. વિજયંતે તેમના પરિવારને છેલ્લે લખેલા પત્રમાં કહ્યું હતું કે, હું જ્યાં લડી રહ્યો છું એ જગ્યાએ આવીને જરૂરથી જોજો. દીકરાની વાત માનવા માટે આજે પણ તેમના પિતા દર વર્ષે એ જગ્યાએ જાય છે જ્યાં વિજયંતે અંતિમ શ્વાસ લીધા હતા.