કોરોના કાળમાં જીવના જોખમે કોરોના વોરિયર્સની તરીકે પત્રકારોએ ભજવેલી ભૂમિકાને બિરદાવી તેમને કોરોના સામે રસીકરણ રૂપી કવચ મળી રહે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે
ભારતીય વેક્સીન સુરક્ષીત છે, એક ભારતીય તરીકે આપણે સૌએ ભરોસો રાખી વેક્સિનેશન કરાવી કોરોના સામે રક્ષણ મેળવવું જોઈએ : મીડિયા કર્મીઓનું મંતવ્ય
ગુજરાતના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી એટલે કે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંબંધી કવરેજમાં મીડિયા કર્મીઓ સકારાત્મક ભૂમિકા ભજવી રહયાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. જેને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલતા દાખવી રાજકોટના મીડિયા કર્મીઓ માટે રસીકરણની ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. જેના પરિણામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન ઓફિસ ખાતે વેક્સિનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો બહોળી સંખ્યામાં મીડિયાકર્મીઓએ લાભ લઈ રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોના સામે સુરક્ષા કવચ મેળવ્યું હતુ.

વેસ્ટઝોન ઓફિસ ખાતે વહેલી સવારે ૯:૦૦ કલાકે રાજકોટના પ્રથમ નાગરિક પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર દર્શિતા શાહ, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પદાધિકારીશઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરના પત્રકારોએ પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાના સમયમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જેને બિરદાવતા મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રો વેક્સિનેશન કરાવી સુરક્ષા સાથે તેમની કામગીરી નિર્ભીકપણે કરી શકે તે માટે આજે આ કેમ્પ શરુ કરાયો છે.
આ પ્રસંગે પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રોની રસીકરણની માંગણીને મુખ્યમંત્રી વિજયભાઈ સમક્ષ રજુ કરવામાં આવી હતી મુખ્યમંત્રી એ કોરોનાના કપરા સમયમાં મીડિયા કર્મીઓએ ભજવેલી ભૂમિકાને બિરદાવી તેઓને વહેલામાં વહેલી તકે કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ની મીડિયા કર્મીઓ પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાને લઈ મહનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પના માધ્યમથી આજે મીડિયાકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આ કેમ્પમાં રાજકોટ શહેરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર, કેમેરામેન તેમજ ફોટોગ્રાફર સહીત મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓએ ઉપસ્થિતિ રહી વેક્સિનેશનનો લાભ લીધો હતો.
આ પ્રંસગે સૌ પત્રકાર મિત્રોએ હકરાત્મક પ્રતિભાવ આપી વેક્સિનેશન કેમ્પને આવકારતા જણાવ્યું હતું કે, આપણે ગૌરવ લેવું જોઈએ કે, સ્વદેશી વેક્સીન ખુબ પ્રભાવશાળી છે. અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહીત અનેક મહાનુભાવો અને દેશવાસીઓએ રસીકરણ કરાવ્યું છે, ત્યારે આપણે પણ નિઃસંદેહ વેક્સિનેશન કરાવવું જોઈએ.

ઘર – પરિવારની ચિંતા કર્યા વગર જાનના જોખમે સતત કવરેજ કરી કોરોના વોરિયર્સની ભૂમિકા બખૂબી નિભાવતા મીડિયાકર્મીઓ પ્રત્યે મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સંવેદનશીલતા દાખવવા બદલ સૌ મીડિયાકર્મીઓ કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી. તેમજ પત્રકારમિત્રોને વેક્સીન રૂપી કવચ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા બદલ સૌ પત્રકારમિત્રોએ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવનો તેમજ સમગ્ર આરોગ્ય ટીમનો પણ આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ, ડો. ભાવિન મહેતા, મહેશભાઈ તેમજ વેક્સીનેટર્સ અને સમગ્ર આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના પરિણામે આ કેમ્પમાં બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ૧૦૦ થી મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે, તેમ ડો. રાઠોડે જણાવ્યું છે.