અભય ચુડાસમા સહિત ખાસ ટીમના દબંગ અધિકારીઓએ 19 જ દિવસમાં આરોપીઓને ઝડપી લીધા હતા

0
398
  • શહેરના સિવિલ હોસ્પિટલ, મણિનગર, બાપુનગર સહિતના 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા
  • બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી 30 આરોપીઓને ઝડપી લીધા હતા

અમદાવાદ. 26 જુલાઈ 2008નો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહિ ભૂલી શકે. એક બાદ એક સાંજના સમયે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આજે આ ઘટનાને 12 વર્ષ બાદ પણ લોકો ભૂલી નથી શક્યા. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસને હાલના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.


આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ, મણિનગર, બાપુનગર સહિતના 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના બનાવ બાદ તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમબ્રાન્ચમાં તે સમયે તત્કાલીન જોઈન્ટ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને ક્રાઇમના ડીસીપી અભય ચુડાસમા હતા.

19 દિવસમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ગુનો ઉકેલી નાંખ્યો
આતંકવાદીઓને પડકી કેસને ઉકેલવા માટે એક ખાસ ટીમ બનાવી હતી. જેમાં એકથી એક શ્રેષ્ઠ અધિકારીઓને ટીમમાં લેવામાં આવ્યા હતા. 2008માં આઈબીમાંથી આઈજી ગીરીશ સિંઘલ, હિંમતનગર એએસપી હિમાંશુ શુક્લા, દાહોદ ડીવાયએસપી રાજેન્દ્ર અસારી, આણંદ હેડક્વાર્ટર ડીવાયએસપી મયૂર ચાવડા, મહિલા ક્રાઇમ બ્રાન્ચ એસીપી ઉષા રાડા અને DYSP વી આર ટોળીયા. આ તમામ અધિકારીઓને સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે સમયના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી આશિષ ભાટિયા અને DCP અભય ચુડાસમાની ટીમે માત્ર 19 દિવસમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ગુનો ઉકેલી નાંખ્યો હતો.

મુફ્તી અબુ બશીરને રાજયમાં સ્લિપર સેલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી
14 ઓગસ્ટ 2008ના રોજ જેસીપી ક્રાઈમ આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદયોજીને સિરિયલ બ્લાસ્ટમાં 30 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય સુત્રધાર ભટ્કલ બંધુઓ યાસીન ભટ્કલ અને રિયાઝ ભટકલ હતા અને તેમણે સિમીના મુફ્તી અબુ બશીરને રાજયમાં સ્લિપર સેલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી અને બરોડાના વતની કયામુદ્દીન કાપડિયાને બોમ્બ પ્લાન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીએ કુલ 80 આરોપીઓની વિરુદ્ધમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.