- દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા
- દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી
પંચમહાલ. 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલા કારગિલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવવાની કોશિષ કરવામા આવી હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જેને કારગિલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સૌથી વધુ 500 જેટલા જવાનો શહીદ થયા હતા અને 1000થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જંગમાં જોડાયા હતા. પંચમહાલ શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયાએ પણ સામે ગોળીબારી વચ્ચે તેમણે દુશ્મનોને મ્હાત આપી શહીદ થયા હતા. આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી તેમની ખાંભી પરના સુરજ અને ચાંદો કહી રહ્યા છે કે, જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઈ તેરા નામ રહેગા.
દુશ્મનોને મ્હાત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ હતા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયાનો જન્મ પિતા અખમભાઈ અને માતા ઝીણીબેનના કુખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધુ હતું.તેમની અંદર દેશદાઝની ભાવના હોવાથી તેઓએ સેનામાં જવાનું નક્કી કરીને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામો ગોળીબાર ચાલુ થયો હતો. ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો. પરંતુ દુશ્મનોને મ્હાત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન ખટકપુર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શહીદનો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવે છે
ખટકપુર ગામમાં ભલાભાઈનો પરિવાર રહે છે અને તેમને યાદ કરે છે. ભલાભાઈ બારીયાના નાનાભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. માતા-પિતા અવસાન પામ્યા છે. અન્ય એક ભાઈ આર્મીમાંથી સેવાનિવૃત્ત છે. તેમના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. દર વર્ષે ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા પરિવાર અને શહિદના પરિવાર દ્વારા શ્રધ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામા આવે છે.પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે સાદાઈથી ઉજવણી કરવામા આવનાર હોવાનું શાળા પ્રશાસન દ્વારા જણાવામાં આવ્યું હતું.