- મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ફોન આવ્યા બાદ CPના આદેશથી આરોપીને ઝડપી લેવાયો
- નિર્મલા રોડ પર પૂરપાટ ઝડપે નીકળેલા શખ્સે ખોટા નામ વટાવી ધમાલ કરી
રાજકોટ. શહેરના નિર્મલા રોડ પર સાઇક્લિંગ કરી રહેલી યુવતીને કારની ઠોકરે લઇ મેડિકલના વિદ્યાર્થીએ ધમાલ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે તેમ કહી યુવતીને ગાળો ભાંડી હતી. ધમાલનો વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને મુખ્યમંત્રીનું નામ વટાવનાર મેડિકલના વિદ્યાર્થીને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી હતી.
યુવાને યુવતીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી
શનિવારે સવારે 6 વાગ્યે એક યુવતી સાઇક્લિંગ કરી રહી હતી અને નિર્મલા રોડ પર પહોંચી હતી ત્યારે એક કાળા રંગની કાર ધસી આવી હતી અને સાઇકલને ઉડાવી હતી. કારની ઠોકરથી રસ્તા પર પટકાયેલી યુવતી પાસે માફી માગવાને બદલે કારચાલક ત્રાડૂક્યો હતો અને યુવતીને ગાળો ભાંડવા લાગ્યો હતો. બેફામ બનેલા શખ્સની કરતૂતો ત્યાં હાજર કોઇ વ્યક્તિ કેમેરામાં કેદ કરવા લાગ્યું હતું. મોબાઇલથી શૂટિંગ શરૂ કરતાં કારચાલક એ શખ્સે ‘મુખ્યમંત્રી વિજયભાઇ મારા માસા થાય છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્રો છે, મારા પિતા એડવોકેટ છે અને બેન્કના ડિરેક્ટર છીએ ફરિયાદ કરી ગુનામાં ફિટ કરાવી દઇશ’ તેમ કહી યુવતીને ધમકાવી હતી.
હાજર લોકોએ કારચાલકને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો
હાજર લોકોએ કારચાલકને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉશ્કેરાયો હતો અને યુવતીને માફી માગવા દબાણ કરતો હતો. સવારે બનેલી ઘટનાનો વીડિયો વાઇરલ થતાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયથી પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે, શહેરમાં આવી ઘટના બને અને મુખ્યમંત્રીનું નામ ખોટી રીતે વટાવવામાં આવે તે યોગ્ય નથી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ ઘટનાને ગંભીરતાથી લઇ વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ નિર્મલા રોડ પર રહેતા પાર્થ જસાણી નામના શખ્સને ઝડપી લીધો હતો.
ધમાલ કરનાર શખ્સ તબીબી શાખામાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવીતને ધમકાવનાર પાર્થ જસાણી તબીબી વિદ્યાશાખામાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસે પાર્થને ઝડપી લઇ તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ભોગ બનનાર યુવતીની પણ શોધખોળ શરૂ કરી હતી. યુવતી મળી આવ્યે પાર્થ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ પોલીસ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો.