પ્રોફેસરોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવામાં આવશેઃ વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણી રોકવા સૌ.યુનિ.નો નિર્ણય

0
389
  • પ્રોફેસરોની ચેમ્બરમાં મૂકવામાં આવનાર CCTV કેમેરાનું મોનિટરિંગ જે-તે ભવનના વડા કરશે
  • છેલ્લા 3 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણીના 4 કિસ્સા સામે આવ્યા

રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણીને રોકવા યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોની ચેમ્બરમાં હવે CCTV કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CCTVનું મોનિટરિંગ જે-તે ભવનના વડા કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે જાતિય સતામણીના 4 કિસ્સા સામે આવ્યા છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રોફેસરોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપલેટાની વિદ્યાર્થિનીએ બે પ્રોફેસરો વિરૂદ્ધ યુનિવર્સિટીમાં અરજી કરી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.P.Ed ભવનના પ્રો. ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી હતી. ઉપલેટાની વિદ્યાર્થિનીના નામે કુલપતિને કરાયેલા ઇ-મેલમાં આક્ષેપ કર્યો હતો કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. જો તેમની વાત હું માનું તો મને M.P.Edમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું M.P.Ed અધૂરું મૂક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે સાહેબના ડરથી કોઇ મને સાથ નહીં આપે તેથી મેં આ વાત કોઇની સાથે ન કરી મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો. પરંતુ હાલના સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું. આ અંગે કુલપતિએ પણ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કોઇ પણ જવાબદારને છાવરશે નહીં અને બંનેને 15 દિવસ સુધી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બાદમાં બંને પ્રોફેસરોને નોકરી પરથી છુટા પણ કરી દેવાયા છે.

અગાઉ વિદ્યાર્થિની પાસે ‘શરીરસુખ’ની માંગણી કરતા પ્રો. ઝાલા સસ્પેન્ડ થયા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલા લંપટ પ્રોફેસર પાર્ટ-3 બન્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનની એમ.ફિલ.ની વિદ્યાર્થિનીને Ph.Dમાં પ્રવેશ અપાવવા બદલ શરીર સુખ માણવાની બીભત્સ માંગણી કરી હતી. આનાપગલે લંપટ પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા અને તેમની ચેમ્બર પણ સીલ કરી દેવાઈ હતી. વિદ્યાર્થિની અને પ્રોફેસર ઝાલા વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ હરેશ ઝાલાને સસ્પેન્ડ કરતાં સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થિનીઓ કુલપતિ પાસે ધસી ગઈ હતી અને લંપટ પ્રોફેસર ઝાલાને ફરી ફરજ પર લેવાની માગણી કરતાં કુલપતિ પણ અચંબામાં મૂકાયા હતા. યુવતીએ પ્રોફેસર ઝાલા પાસે રૂ. 22 લાખ માગી બ્લેક મેઈલ કર્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જો કે કુલપતિએ વિદ્યાર્થીઓની માગણી નકારી લંપટનો સાથ ન દેવા સલાહ આપી હતી.

અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી સસ્પેન્ડ થયા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં Ph.Dનું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને કિસ કરવાના પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડીયો ટેપ વાઇરલ થઇ હતી. બાદમાં સાઇબર પૂરાવાઓની ચકાસણી કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે-બે ઓફિસ ધરાવતા અર્થશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને ઇતિહાસ ભવનના ડો.પ્રફુલ્લાબેન રાવલને રજિસ્ટ્રારે નોટિસ આપ્યા બાદ ડો.રાવલે વધારાની ઓફિસ ખાલી કરી આપી હતી. જ્યારે ડો.રાકેશ જોશીએ સોશિયોલોજી ભવનની ઓફિસ ખાલી કરવા મુદ્દે જવાબ જ ન આપતા નોટિસ આપવામાં આવી હતી. બાદમાં રાકેશ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જાતિય સતામણી કેસમાં પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા
બાયો સાયન્સ ભવનમાં Ph.D વિદ્યાર્થિનીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ ગત 30મી ઓગસ્ટ, 2018ના રોજ તત્કાલિન કુલપતિ ડો.દેવેનને કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણની તપાસ એન્ટિ સેક્સ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલને સોંપવામાં આવી હતી. એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલે આપેલા રિપોર્ટના આધારે પ્રોફેસર નિલેશ પંચાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તા.2-11-2018ના રોજ આ પ્રકરણની તપાસ નિવૃત્ત જ્જ દિનેશ ત્રિવેદીને સોંપવામાં આવી હતી અને નિવૃત્ત જજે 12 માર્ચે પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપ્યો હતો. બાદમાં જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here