ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની શક્યતાઓ પ્રબળ, અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રિવાસ્તવનું નામ મોખરે

0
459

  ડીજીપી તરીકે બે વર્ષ કરતાં પણ વધુ લાંબો ગાળો પસાર કરનાર શિવાનંદ ઝા તા. 31મી જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આમ તો તેમની વય નિવૃત્તિ ત્રણ મહિના પહેલા આવી હતી પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જે 31મી જુલાઈએ પુરુ થાય છે.

સરકારની ગુડબુકમાં રહેલા શિવાનંદ ઝા નિવૃત્તિ પછી પણ કોઈ મહત્વના સરકારી પદ પર મુકાય તેવી સંભાવના સાથે હવે ગુજરાતના ડીજીપી તરીકે કોણ આવશે તેની અટકળો તેજ બની છે. ગુજરાતના ડીજીપી તરીકે સિનિયોરિટી પ્રમાણે ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના સૌથી સિનિયર છે પરંતુ હાલમાં તેઓ ડેપ્યૂટેશન પર છે અને તેમને ડેપ્યૂટેશન પરથી પરત બોલાવી ડીજીપી બનાવવામાં આવે તેવી શક્યતા અત્યંત નહીવત છે. જો અસ્થાના પરત ન જ આવે તો આશિષ ભાટિયાનું 31મીના રોજ ડીજીપી થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

સ્વભાવે અત્યંત ઓછું બોલનાર અને ઝીણી ઝીણી વિગતો ડાયરીમાં નોંધવાની ટેવ વાળા અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા પોલીસિંગ માટે ડીજીપી માટેની શ્રેષ્ઠ પસંદગી ગણાય. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોનું પોલીસ કમિશનર પદ સંભાળવા ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક મહત્વની શાખા પણ તેમણે સંભાળી હતી. ટેરરિઝમના વિષયમાં તે નિષ્ણાંત ગણાય છે અને પોલીસમાં ચાલતી જુથબંધીથી પોતાની જાતને તેઓ સફળતા પૂર્વક દૂર રાખી ચુક્યા છે. વિવાદોથી સેફ ડિસ્ટન્સ રાખનાર ભાટિયાને ડીજીપી પદ મળે તો તેઓ પોણા બે વર્ષ સુધી ડીજીપી તરીકે કાર્ય કરી શક્શે.

જો ભાટીયા ડીજીપી બને તો અમદાવાદનું પોલીસ કમિશનર પદ ખાલી થાય અને એક પ્રણાલિકા પ્રમાણે સૌથી સિનિયર આઈપીએસને અમદાવાદ પોલીસ કમિશનરનું પદ સોંપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જ ડીજીપી તરીકેની બઢતી મેળવનાર કેશવ કુમાર માણસ અને અધિકારી તરીકે ઉત્તમ હોવા છતાં સરકારી અનુકૂળતામાં ગોઠવાઈ શક્તા નથી, જેને કારણે સિનિયર હોવા છતાં કેશવ કુમારને એસીબીના જ વડા તરીકે યથાવત રાખવામાં આવે તેવી શક્યતા વધારે છે.

આવી જ સ્થિતિ તાજેતરમાં ડીજીપી તરીકે બઢતી મેળવનાર સીઆઈડી ક્રાઈમના વડા સંજય શ્રિવાસ્તવની છે. સંજય શ્રિવાસ્તવ પણ લાંબો સમય સુધી સરકારની અવગણનાને કારણે સાઈડ પોસ્ટિંગમાં રહ્યા છે, પરંતુ જો કેશવ કુમારને કમિશનર પદ ન આપવું હોય તો બીજો વિકલ્પ સંજય શ્રિવાસ્તવ છે. સંજય શ્રિવાસ્તવ પણ તેમના કામ અને વ્યવહારમાં વિવાદોથી દૂર રહ્યા છે.

અમદાવાદનું પોલીસ કમિશનર પદ અત્યંત મહત્વનું હોવાને કારણે તેનો નિર્ણય વિજય રુપાણી અથવા પ્રદીપસિંહ જાડેજા કરશે નહીં, પરંતુ આ નિર્ણય ખુદ નરેન્દ્ર મોદી અથવા અમિત શાહ જ કરશે તે સ્પષ્ટ છે, જાણકારો એવું પણ માને છે કે, જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનું નામ અચાનક જાહેર થયું તેવી જ રીતે અમદાવાદ પોલીસ કમિશનરનું પદ કોઈ નવું જ નામ જાહેર થાય તો નવાઈ નહીં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય તોમરની સંભાવના પણ જોવામાં આવી રહી છે. અજય તોમર ફીલ્ડના ઓફીસર હોવાની સાથે ગુજરાત અને દિલ્હી સ્થિત નેતાગીરીના સીધા સંપર્કમાં છે. સરકારની વાત વગર કહ્યે આંખના ઈશારે સમજી જવાની ક્ષમતા તેમની વિષેશ આવડત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here