લગ્નનાં નામે જામનગરના યુવાન સાથે દોઢ લાખની ઠગાઇ.

0
311

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર નજીકના એક એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રીતેશભાઈ ધીરજલાલ શાહ નામના એકતાલીસ વર્ષના મહાજન યુવાન એક ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેઓએ પોતાના લગ્ન માટે લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતાં કેટલાંક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં ફેબ્રુઆરી મહિનામાં કાનાછિકારી ગામના વિજયભાઈ બારોટએ પોતાના ધ્યાનમાં મહારાષ્ટ્રના નાગપુરની એક યુવતી હોવાનું જણાવ્યું હતું.

લગ્નવાંચ્છુ પ્રીતેશભાઈએ તે વાતમાં રસ દાખવતાં વિજય તથા તેમના પત્ની કાજલબેન બારોટએ નાગપુરના મનતાપુર રોડ પર વિધાયકભવન પાસે વસવાટ કરતાં પાયલબેન પ્રદીપભાઈ બંસોડનો સંપર્ક કરાવ્યો હતો. પાયલે મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવરકરનગરમાં વસવાટ કરતાં અંકિત પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.

ત્યારપછી વિજય તથા કાજલબેન બારોટે લગ્ન માટે રૃા. દોઢ લાખ આપવાના થશે તેમ કહી પ્રીતેશભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો હતો. તેમાં આગળ વધેલી વાતચીત મુજબ ગઈ તા. ૨૪ ફેબ્રુઆરીના દિને જામનગર સ્થિત પ્રીતેશભાઈના ઘેર આવેલા કાજલ તથા વિજયભાઈએ રૃા. દોઢ લાખ લઈ પ્રીતેશભાઈના પાયલ સાથે મૈત્રીકરાર કરાવ્યાં હતાં અને જામનગરની કોર્ટમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. મૈત્રીકરાર પછી પાયલ બંસોડ ત્રણેક દિવસ સુધી પ્રીતેશભાઈના ઘેર રોકાઈ હતી. તે પછી કાજલ અને વિજયભાઈ ફરીથી પ્રીતેશભાઈના ઘેર આવ્યા હતા અને પાયલને પોતાની સાથે લઈ ગયા હતાં.

જે યુવતી સાથે મૈત્રીકરાર કરવામાં આવ્યા તે યુવતીને આ સંબંધ કરાવી આપનાર દંપતી લઈ જતાં પ્રીતેશભાઈએ તેણીને પરત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે પ્રયત્ન નીષ્ફળ જતાં પ્રીતેશભાઈને લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાયલ, વિજય, કાજલ બારોટ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

અહેવાલ :- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here