ચંદ્રકાંતભાઈએ 1994માં પ્લેગ સમયે ઉંદરોના દરોનો નાશ કર્યો હતો
સુરત. પ્લેગ જેવી અનેક કુદરતી આપત્તિઓ સામે લડનારા પાલિકાના પ્રાઈમરી હેલ્થ વર્કર ચંદ્રકાંતભાઈ કોરોનાને માત આપી સાજા થયા છે. તેઓ આઈસોલેશનનો પિરિયડ પુરો કરી ફરી ફરજ પર આવવા માટે તત્પર છે. ભટાર સાંઈકૃપા પાર્કમાં રહેતા ચંદ્રકાંતભાઈ વર્ષ 1994માં સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ પર જોડાયા હતાં, એ સમયે તેમની નોકરીની શરૂઆત જ પ્લેગની ‘આફત’ સાથે થઈ હતી. સુરત શહેર પર પ્લેગ, પુર જેવી અનેક કુદરતી આફતો આવતી રહી અને દરેક વખતે તેઓ ફ્રન્ટ લાઈન વોરિયર બની રહ્યા હતાં.
શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા 14 જુલાઈના રોજ ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
કોરોનામુક્ત થયેલાં ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં માર્ચ મહિનાથી અઠવા ઝોનમાં વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગમાં પ્રાઇમરી હેલ્થ વર્કર તરીકે સેનિટાઈઝ અને સંક્રમિત દર્દીઓના પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી નિભાવી છે. ગઈ 7 જુલાઈના રોજ મારી તબિયત બગડતાં કોવિડ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં લક્ષણો જણાતા 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યો હતો. આ દરમિયાન તબિયત લથડતા અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા 14 જુલાઈના રોજ ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સમયસર સારવાર મળવાના કારણે કોરોનાને મ્હાત આપી 22 જુલાઈએ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો હતો. હોમ આઈસોલેશનમાં છું, પરંતુ હું ફરી એક વાર ફરજ પર પાછો ફરીશ. વર્ષ 1994માં પ્લેગના વાહક ઉંદરોના દર શોધીને નાશ કરવાની કપરી જવાબદારી નિભાવનાર 54 વર્ષીય ચંદ્રકાંતભાઈ કોરોના નિયંત્રણની ફરજ વેળા કોરોનાગ્રસ્ત બન્યાં, પરંતુ મનોબળ અને રોગો સામે લડવાની તેમની પ્રકૃત્તિના કારણે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.