જૂનાગઢના વંથલી તાલુકાનું ટિકર ગામમાં કોરોનાના કેસ વધી જતા 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા ટીકર ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 15 જેટલા કેસ નોંધાયા અને ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે.
ગામમાંથી સંક્રમણની ચેઈનને તોડવા ગામના લોકોએ જબરદસ્ત સાવચેતી દેખાડી 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં દુકાન ખોલવાનો સમય પણ નક્કી કરાયો છે. ટીકર ગામમાં સવારે 2 અને સાંજે 2 કલાક દુકાનો ખુલી રહેશે. તો ગામના લોકોને પણ માસ્ક અને સોશલ ડિસ્ટંસના નિયમનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 2800ને પાર થયો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.