- ભાટપોરમાં રાજુ વૈધના ફાર્મ પર ઈચ્છાપોર પોલીસનો દરોડો
- જુગારીઓ પાસેથી કુલ 28.19 લાખનો મુદામાલ જપ્ત કરાયો
સુરત. સસરાના ફાર્મ હાઉસમાં જમાઈ તેના મિત્રો સાથે જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયો છે. ભાટપોર તપોવન ફાર્મના પ્લોટ નં-3માં રાજુ વૈધના ફાર્મમાં ઈચ્છાપોર પોલીસે શનિવારે મોડી સાંજે રેડ પાડી હતી. દરમિયાન ત્યાંથી કોઇનનો જુગાર રમતા 6 વેપારીઓને પકડી પાડ્યા છે. જુગારીઓ પાસેથી રોકડ 11300, મોબાઇલ નંગ-6 રૂ, 2.08 લાખ તથા ફોર વ્હીલ ગાડી-3 રૂ.26 લાખ મળી 28.19 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જુગાર માટે ઓનલાઇન કોઇન મંગાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ફાર્મ હાઉસ રાજુ વૈધનું છે અને તેનો જમાઈ અભિષેક જૈન ફાર્મ હાઉસમાં તેના મિત્રોને લઈને આવ્યો હતો. જેમાં અકુંશ જૈન ટ્રાન્સપોર્ટનો તેમજ અભિષેક જૈન, વિવેક અગ્રવાલ, અરિહંત જૈન અને તિર્થેશ જૈન કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. જયારે શેખર પાલીવાલ મુંબઈમાં એન્જીનીયર છે અને હાલમાં અંકુશના ઘરે રહે છે. જુગારની બીજી એક ઘટનામા ગોપીપુરાના વાડીફળિયામાં ચાલતા જુગારધામ પર અઠવા પોલીસે દરોડા પાડી 2.86 લાખની મતા સાથે જુગારનો અડ્ડો ચલાવતા મનોજ રાણા સહિત 16ને પકડી પાડ્યા હતા.
જુગારીઓના નામોની વિગતો : 1. અકુંશ સુશીલ જૈન (29) (રહે. પિપલોદ) 2. વિવેક અનિલ અગ્રવાલ(33) (રહે. ગૌરવપથ રોડ,વેસુ) 3. અરિહંત વિધ્યાપ્રકાશ જૈન(20) (રહે. પરવટ પાટિયા) 4. શેખર સુમન પાલીવાલ(28) (રહે. મુંબઈ) 5. અભિષેક ઉમેદ જૈન(40)(રહે. અલથાણ) 6. તિર્થેશ સંજય જૈન(24) (રહે. ઘોડદોડ રોડ)