6 ભાઈ-બહેન અને ત્રણ પુત્રમાંથી એકપણનું લિવર મેચ થતું ન હત
અમદાવાદ. અમદાવાદમાં રહેતી 30 વર્ષની પુત્રવધૂ ગરીમા અગ્રવાલે 61 વર્ષના સસરા દિનેશ અગ્રવાલને લિવરનો 60 ટકા ભાગ ડોનેટ કર્યો છે. હોસ્પિટલના તબીબોએ પરિવારને કહ્યું હતું કે, ‘લિવર ટ્રાન્સપ્લાન્ટ જ આખરી વિકલ્પ છે, કેડેવરમાં વેઈટિંગ છે, જો પરિવારમાંથી કોઈ લિવર આપી શકે તો કહો’. આ વાત સાંભળી તેમની પુત્રવધૂએ લિવર આપવાની તૈયારી દર્શાવતા સફળતાપૂર્વક સર્જરી કરાઈ હતી.
સાયન્સ સિટી રોડ પર રહેતા દિનેશ અગ્રવાલને લિવર સોરાઈસિસનું નિદાન થયું હતું. એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા તબીબે લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું કહ્યું હતું. તેમના 6 ભાઇ-બહેન અને ત્રણ પુત્રોમાંથી એક પણના લિવર મેચ ન થયા અને નવેમ્બર 2019 તેમની સ્થિતિ વધારે કથળી હતી. તેમની સ્થિતિ જોઇને ડોકટરની સલાહ લેવામાં આવી અને મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદના કેન્દ્રો પર કેડવર લિવર માટે નોંધણી કરાવી પરંતુ લૉકડાઉનના કારણે વાત અટવાઈ પડી હતી. અંતે જૂનમાં એસજી હાઇવેની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને પુત્રવધૂએ લિવરનું દાન કર્યું. સસરા પુત્રવધૂનું લિવર દાનમાં લેવા તૈયાર ન હતા. પરંતુ પુત્રવધૂએ દીકરી બની તેમને સમજાવ્યા હતા. અંતે લિવરનો 60 ટકા ભાગ દાન કરી પુત્રવધૂએ સસરાનો જીવ બચાવી લીધો.
હું પુત્રવધૂનો ભવેભવનો ઋણી થઇ ગયો છું
સસરા દિનેશ અગ્રવાલે કહ્યું કે, મારા ત્રણ દીકરા ન કરી શકયા તે મારી પૂત્રવધૂએ કરી બતાવ્યો હું તો તેનો ભવભવનો ઋણી થઇ ગયો છું. તેણે તેના નામ પ્રમાણે કામ કર્યું છે.
પિતા કરતા વધારે રાખે છે
પુત્રવધૂ ગરીમા અગ્રવાલે જણાવ્યું કે, અમારા ઘરનો માહોલ એવો છે કે હું સાસરે છું તેવું નથી લાગ્યું તેઓ મારા પિતા કરતા વધારે મને રાખે છે. મારું લિવર લેવા સસરા ન હોતા માનતા ત્યારે મારા માતા-પિતા અને ભાઇ રાજસ્થાનથી બે વખત આવીને તેમને સમજાવ્યા હતા. મને દીકરીને જેમ અને પિતા કરતા વધારે રાખે છે.