શંકાસ્પદ કે ટેરર ફંડિંગ શોધી કાઢવા માટે નિર્ણય
અમદાવાદ. સીબીડીટીએ ઇન્કમટેક્સ કરદાતાઓનો ડેટા દેશની 10 ઇન્ટેલિજન્સ એજન્સીને આપવાનો નિર્ણય કર્યો છે. આ ડેટા નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રેડ સિસ્ટમથી રિયલ ટાઇમ એક્સેસ કરવાથી દરેક એજન્સીને મળશે. આ ડેટા 2015થી શેર કરાશે જેથી છેલ્લા 5વર્ષમાં થયેલી શંકાસ્પદ નાણાંકીય પ્રવૃત્તિઓને શોધવામાં એજન્સીઓને મદદ મળી રહેશે.
એજન્સી કરદાતાની બેન્ક, વિદેશ પ્રવાસની વિગતો પણ જાણી શકશે
તાજેતરમાં સીબીડીટીએ કરેલા પરિપત્ર પ્રમાણે પાન નંબર, ટાન નંબર, ટીડીએસ નંબર, ટીસીએસ નંબર, બેન્ક એકાઉન્ટની વિગત તેમજ કરદાતાએ ભરેલા રિટર્નની વિગતો જુદી જુદી એજન્સીઓને આપશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓનો ડેટા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ), ડાયરેકટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્ટ (ડીઆરઆઇ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી), કેબિનેટ સેક્રેટરી, ઇન્ટેલિજન્ટ બ્યુરો (આઇબી), ડાયરેકટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સ, નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી), ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્ટ યુનિટ (એફઆઇયુ)અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને આ ડેટા નેશનલ ઇન્ટેલિજન્ટ ગ્રેડ સિસ્ટમ હેઠળ આપવામાં આવશે.
આ બધી એજન્સીઓ હવે કરદાતાનો ડેટા આ સિસ્ટમ દ્વારા ઓનલાઇન એકસેસ કરી શકશે. જેનાથી એજન્સીઓને શંકાસ્પદ વ્યવહારો, ત્રાસવાદી પ્રવૃત્તિઓને ફંડ પૂરું પાડતી લોકોને શોધી શકાશે. વધારામાં વ્યક્તિની ઇમિગ્રેશન બેકિંગ, એર અને ટ્રેન ટ્રાવેલ્સની વિગતો મેળવી શકાશે. જેથી કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢવામાં સરળતા રહેશે. 90 ટકા કરદાતાઓએ પોતાના પાન નંબર સાથે આધાર કાર્ડ લિન્ક કર્યો છે. જેથી આ ડેટા બાકીની એજન્સીઓને પૂરો પાડવામાં આવતા તેઓ તપાસમાં સરળતા રહેશે.