- સિગારેટ, પાન-મસાલા સહિત તમાકુના બંધાણીઓના ફેફસા યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે
- વાઈરસ શરીરમાં સૌથી વધુ આપણા ફેફસા પર અસર કરે છે, તે ધીરે-ધીરે ફેફસાને નબળા કરી દે છે
અમદાવાદ. રાજ્યમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ વાઈરસ નાના બાળકો તેમજ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પહેલાથી જ અન્ય કોઈ બીમારીથી પીડાતા લોકો માટે ખુબ જ જોખમી છે. આ પ્રકારના લોકોમાં ઈમ્યુનિટી પાવર ખુબ જ ઓછો હોય છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, જે લોકો પહેલાથી જ અસ્થમા જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે અને કોઈપણ વ્યસન કરી રહ્યા છે તેઓ પર કોરોનાનું જોખમ 5ગણું વધી જાય છે. આ પ્રકારના દર્દીઓએ આ સમયમાં ખુબ જ કાળજી રાખવાની જરૂર છે.
અસ્થમાના દર્દીના ફેફસા 20થી 60 ટકા સુધી ઓછા કામ કરે છે
કોરોના વાઈરસ આપણ શરીરમાં સૌથી વધુ આપણા ફેફસા પર અસર કરે છે. તે ધીરે-ધીરે આપણા ફેફસામાં ફેલાતો જાય છે અને તેને નુકસાન પહોંચાડે છે. ત્યારે અસ્થમાની બીમારીથી પીડાતા લોકોના ફેફસા પહેલાથી જ નબળા હોય છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં અસ્થમાના દર્દીના ફેફસા 20થી 60 ટકા સુધી ઓછા કામ કરે છે. આવી સ્થિતીમાં જો તેઓ વાઈરસના સંક્રમણમાં આવે તો તેમના જીવન પર મોટું જોખમ ઉભું થઈ શકે છે. આ સાથે જ આ સિગારેટ પાન-મસાલા સહિત તમાકુના બંધાણીઓના પણ ફેફસા યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે. જેથી તેઓ પર પણ કોરોના વાઈરસનું જોખમ વધારે જોવા મળ્યું છે.
મહિલાઓ કરતા પુરુષો પર વાઈરસનું જોખમ વધારે
એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છેકે, મહિલાઓ કરતા પુરુષોમાં કોરોના વાઈરસનું જોખમ વધારે છે. જેનું એક કારણે એ પણ છે કે, મહિલાઓ કરતા પુરુષો ઘરની બહાર કામકાજ, નોકરી અથવા અન્ય કારણોસર વધારે ફરતા હોય છે. જેના કારણે તેઓને અન્ય લોકો વાતચીત તેમજ જગ્યાઓ પર અવર-જવર કરતા હોય છે જેનાથી લોકલ સંક્રમણનો ખતરો વધી જાય છે, ત્યારે બીજું કારણે વ્યસન છે. બીડી, પાન-મસાલા સહિતના વ્યસનના કારણે પુરુષોમાં ઈમ્યુનિટી પાવર ઓછો થતો જાય છે. જેના કારણે કોરોના વાઈરસનું જોખમ વધી શકે છે.