ઓકલેન્ડઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. દેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસ ભયજનક રીતે વધી રહ્યાં છે. ભારતમાં વધતા કેસને લઈ વિશ્વના આ જાણીતા દેશે ભારતથી આવતા નાગરિકો પર પ્રતિબંધ મુકી દીધો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડાએ ભારતથી આવતા તેમના દેશના નાગરિકો સહિત તમામ મુસાફરો પર કામચલાઉ પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી લાગુ રહેશે.
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવા માટે સરકાર 11મી એપ્રિલથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 100 લાયક લાભાર્થીઓને સરકારી અને ખાનગી ઓફિસોમાં રસી લેવાની મંજૂરી આપશે.
દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં વીકએન્ડ અને નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગુ છે. છત્તીસગઢના રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. છત્તીસગઢના દુર્ગમાં 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.