મોરબીના પીપળીમાં એક સાથે 8 કેસ પોઝિટિવ, જિલ્લામાં 20 કેસ પોઝીટીવ આવ્યા

0
341

જિલ્લામાં પહેલી જ વાર 9 વર્ષના બાળકને કોરોના

મોરબી. જુલાઇ મહિનો મોરબી જિલ્લા માટે કોરોનાની દ્રષ્ટિએ ખૂબ ચિંતાતુર રહ્યો છે. અનલોક જાહેર થયા બાદ જિલ્લામાં કુદકેને ભુસ્કે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. રવિવારે તો જાણે કોરોના બૉમ્બ ફૂટ્યો હોય તેમ જિલ્લામાં પ્રથમવાર 20 કેસ પોઝીટીવ આવ્યા છે. સૌથી ચિંતા જનક બાબત એ રહી છે કે પીપળી ગામમાં જ એક સાથે 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમાં 9 વર્ષના બાળક પણ ઝપટમાં આવી ગયો છે. જિલ્લામાં 10 વર્ષથી નાની ઉંમરનૉ બાળક પોઝીટીવ આવ્યો હોય તેવો જિલ્લાનૉ પ્રથમ કેસ સામે આવ્યો છે.

આ ઉપરાંત નવી પીપડી ગામમાં 2,કાયાજી પ્લોટ 2 માં બે મહિલા સહિત 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.વાવડી રોડ સૉમૈયા સોસાયટીમાં 3 કેસ,ઘાંચી શેરીમાં,વિશ્વ કર્મા મંદિર,શક્તિ પ્લોટમાં એક,એક કેસ પોઝિટિવ આવ્યો છે. તો હળવદ તાલુકામાં પણ એક કેસ પોઝિટિવ આવ્યા છે.આમ, મોરબી શહેર અને તાલુકામાં 19 કેસ જયારે હળવદમાં 1 મળી જિલ્લામાં કુલ 20 કેસ પોઝિટિવ આવ્યા છે. હાલ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 243 સુધી પહોંચી ગઇ છે.રવિવારે માત્ર બે જ દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેઓને રજા આપવામાં આવી છે.તો લાયન્સનગર ગોકુલ નગરમા રહેતા અને મોરબી સિવિલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધનું મોત થયું છે. જિલ્લામાં રવિવાર સાંજ સુધીમાં 82 લોકો સારવાર લઈ રહ્યા છે તો 142 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપી દેવાઈ છે. જ્યારે 17 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.