રાજકોટ RMC દ્વારા ૩૦ સંજીવની તથા GVK નાં ૧૫ ધનવંતરી રથ મળી કુલ ૪૫ વાહનો કોરોના અંતર્ગતની કામગીરીમાં ઉમેરવામાં આવ્યા

0
383

પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠીયા વાડી ચોક ખાતે ટેસ્ટીંગ બુથ શરૂ.

મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્વરીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૩૦ સંજીવની તથા GVK નાં ૧૫ ધનવંતરી રથ મળી કુલ ૪૫ વાહનો કોરોના અંતર્ગતની કામગીરીમાં આજરોજ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠીયા વાડી ચોક ખાતે ટેસ્ટીંગ બુથ પણ શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ૪૮ ધનવંતરી રથ ૧૯ સંજીવની રથ, ૧૦૪ વ્હીકલ, ટેસ્ટીંગ વાન ૩૬ કોરોના અંતર્ગત ફીલ્ડવર્ક કરી રહેલ છે. જેમાં આજરોજ ઉપરોક્ત ૪૫ વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી લોકોને વધુ ઝડપથી મેડીકલ સુવિધા મળી રહે. ટેસ્ટીંગ બુથમાં પણ વધારો કરી કુલ ૯ બુથમાં ટેસ્ટીંગ કામગીરી ચાલી રહી છે. ટેસ્ટીંગ બુથમાં ટેસ્ટ કરાવવા આવતા લોકોને જુદી જુદી સુવિધાઓ જેવી કે, બેસવાની, પાણીની, મંડપ વિગેરે વ્યવસ્થા કરવાનું મેયર ડૉ.પ્રદિપ ડવએ સુચના આપેલ.

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ખુબ જ જરૂર છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને બાળકોને કામ સિવાય ઘરની બહાર જવું જ નહિ. તેમજ તાવ, શરદી, ઉધરસના સામાન્ય લક્ષણ જણાય તો પણ કોઇપણ જાતના ગભરાટ રાખ્યા વગર કોરોના ટેસ્ટ કરાવી લેવો. આ ઉપરાંત, કોરોનાની સામે રામબાણ ઈલાજ એટલે કે, ૪૫ વર્ષથી ઉપરના બાકી રહેતા લોકોએ વહેલાસર કોરોના સામેની રસી લઇ લેવા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્વરીબેન ડોડીયાએ અપીલ કરેલ છે.