નિખીલ દોંગા કેસમાં મુખ્ય સુત્રધાર સહિત 4 આરોપીઓ વધુ 3 દિવસના રિમાન્ડ પર

0
9065
10 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાતા અન્ય 6 આરોપીઓ ધકેલાયા જેલ હવાલે : અગાઉ બે પીએસઆઈ, એક એએસઆઈ અને એક કોસ્ટેબલની કરાઈ હતી ધરપકડ : ચકચારી કેસમાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની થઈ છે ધરપકડ

ભુજ : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપી નાસી છુટ્યા બાદ તેના સાગરિતો સાગર કયાડા, શ્યામલ દોંગા અને રેનિસ ઉર્ફે લાલજી ડાયાભાઈ માલવીયા સાથે નૈનીતાલથી ઝડપાયો હતો. આરોપી નિખીલ દોંગાને ભગાડવાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓનીસંડોવણી તપાસમાં સામે આવી હતી. ત્યારે બીજા દિવસે પોલીસે નિખીલને ભગાડવામાં મદદગારી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રાજકોટના નિકુંજ તુલશીભાઇ દોંગા, ગોંડલના મોહિત ઉર્ફે મુંડો રમેશભાઈ સખીયા અને રાજકોટના પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઈ ધાનાણીની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત મદદગારી કરનાર અન્ય બે ભરત રામાણી અને આકાશ આર્યની પણ ધરપકડ થઈ હતી.

તો જી.કે હોસ્પિટલના મેડિકલ રેકર્ડ ડેટાના મેનેજર વિજય વિઠલભાઈ સાંઘાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આમ નિખીલની ધરપકડની સાથે અને તેના એક બે દિવસમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાયા હતા. આ દસેય આરોપીઓના રિમાન્ડ આજે સાંજે 4 કલાકે પૂર્ણ થતા તમામના 7 દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં પેશગી કરાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા મુખ્ય આરોપી નિખીલ દોંગા, ભરત રામાણી, આકાશ આર્ય અને જી.કેના મેનેજર વિજય સાંઘાણીના વધુ 3 દિવસના એટલે કે 12મી એપ્રિલે 4 કલાક સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

જ્યારે અન્ય આરોપીઓને કોર્ટ કસ્ટડી હેઠળ પાલારા જેલમાં ધકેલવામાં આવ્યા છે. ચકચારી નિખીલ દોંગા કેસમાં પોલીસે અગાઉ પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમની પુછતાછમાં આરોપીને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી હતી. જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની ધરપકડ કરાઈ હતી. આ ચારેય પોલીસ કર્મીઓની રિમાન્ડ દરમિયાન તપાસ કરી અગાઉ જ જેલ હવાલે કરી દેવાયા છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં 4 પોલીસ કર્મીઓ સહિત કુલ 10 આરોપીઓ જેલમાં ધકેલાયા છે. તો નિખીલ દોંગા સહિતના અન્ય 4 આરોપીઓ ફર્ધર રિમાન્ડ હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here