બજારમાં તરલતા લાવવા અને અર્થતંત્રને દોડતું કરવા વ્યાજદર સહિતના પગલાની જાહેરાત કરશે આરબીઆઈ

0
371
ફરી એક વખત વ્યાજદર ઘટવાના ભણકારા મોનેટરી પોલીસી કમીટીની આગામી ૪ થી ૬ ઓગષ્ટ દરમિયાન બેઠક: વ્યાજદરમાં ૨૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો થઈ શકેઅબતક, 

મહામારીના કારણે આર્થિક વ્યવહારો પર માઠી અસર થઈ છે. જેથી બજારમાં તરલતા લાવવાનો મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. આવા સમયે આગામી તા.૪ ઓગષ્ટથી ૬ ઓગષ્ટ દરમિયાન મોનીટરી પોલીસી કમીટીની બેઠક મળશે. જેમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે. જો વ્યાજદર ઘટશે તો આપોઆપ બજારમાં તરલતા આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હવે ઓટો, ઈ-કોમર્સ અને સર્વિસ સેકટરને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણય લઈ શકે છે.

બજારને ધમધમતી રાખવા માટે સૌથી મહત્વનો મુદ્દો તરલતાનો છે. મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧.૫ ટકા જેટલો રેપોરેટ ઘટાડવામાં આવ્યો છે. આર્થિક અસરોને મર્યાદિત કરવા માટે રિઝર્વ બેંક સતત પગલા લઈ રહી છે. ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં હમણા આવેલી તેજીથી ગ્રાહક મુલ્ય સુચકાંક ઉપર સરકારની નજર છે. સરકાર દ્વારા રેપોરેટ ઘટાડવાની સાથો સાથ રિયલ એસ્ટેટ સેકટરને પણ રાહત મળે તે માટે સ્ટેમ્પ ડયૂટીમાં પણ ઘટાડો થઈ શકે છે. આગામી આર્થિક નીતિની સમીક્ષાની બેઠક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની આગેવાનીમાં મળશે. ૩ દિવસ ચાલનારી આ બેઠકમાં રેપોરેટ, રિવર્સ રેપોરેટ, મોંઘવારી સહિતના મુદ્દાને ધ્યાને લેવામાં આવશે.

નોંધનીય છે કે, સરકાર ઘણા સમયથી લોકોના હાથમાં રોકડ રહે તે માટેના પગલા લઈ રહી છે. જેના અનુસંધાને આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેઠક મહત્વપૂર્ણ સાબીત થશે. કોરોના કાળમાં વ્યાજદરમાં ઘટાડો કરવાથી બજારમાં તરલતા આવશે તેવી અપેક્ષા સરકારને છે. વ્યાજદર ઘટવાથી લોન તો સસ્તી થશે જ પરંતુ ચાલુ વર્ષે એનપીએ મુદ્દે પણ સરકારને ઉંડી ચિંતા છે. મહામારીના કારણે અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડ્યો છે. મોટા પ્રમાણમાં લોન ડિફોલ્ટ થશે તેવી દહેશત છે. ત્યારે અત્યાર સુધી સરકારે ઓટો, ઈ-કોમર્સ સહિતના સેકટર ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય. આગામી સમયમાં પણ આ સેકટર ત્વરીત બેઠા થઈ ધમધમવા લાગે તેને આનુસંગીક જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થઈ શકે છે.

રેપોરેટ અને રિવર્સ રેપોરેટની આવી છે અસર

રિઝર્વ બેંક દ્વારા અન્ય બેંકો તેમજ ફાયનાન્સીયલ સંસ્થાઓને જે વ્યાજદરે નાણા આપવામાં આવ્યા છે તેને રેપોરેટ કહેવાય છે. કોમર્શીયલ બેંકોને જ્યારે ફંડની જરૂર પડે છે અને શોર્ટ ટર્મ માટે નાણાની જરૂર હોય છે ત્યારે રિઝર્વ બેંક પાસેથી નાણા ઉધાર લે છે. રિઝર્વ બેંક જ્યારે આ બેંકોને નાણા આપે છે ત્યારે સિક્યોરીટી માંગે છે. જેથી ભવિષ્યમાં કોઈ જોખમ સામે રક્ષણ મળી શકે. ત્યારે બેંક કેટલીક સિક્યોરીટી જેમાં મુખ્યત્વે બોન્ડ આરબીઆઈને વેંચી દે છે અને શરત મુજબ પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય પર તે સિક્યોરીટી પરત લઈ લેશે. કોમર્શીયલ બેંક આરબીઆઈ પાસેથી નાણા લે છે ત્યારે

વ્યાજ પણ વસુલ કરે છે અને જે દરે વ્યાજ વસુલવામાં આવે છે તેને રેપોરેટ કહેવાય છે. જ્યારે રિઝર્વ બેંક રેપોરેટમાં ઘટાડો કરે છે ત્યારે અન્ય બેંકોને રિઝર્વ બેંક માટે ઉધાર નાણા લેવામાં આસાની રહે છે. અન્ય બેંકો રિઝર્વ બેંકને જે દરે નાણા આપે છે તેને રિવર્સ રેપોરેટ કહેવાય છે. જ્યારે બેન્કિંગ સીસ્ટમમાં કેસ ફલો વધે છે ત્યારે કોમર્શીયલ બેંકો રિઝર્વ બેંકને નાણા ઉધાર આપતી હોય છે અને રિઝર્વ બેંક તેના પર વ્યાજ ચૂકવે છે. જે દરે રિઝર્વ બેંક વ્યાજ ચૂકવે છે તેને રિવર્સ રેપોરેટ કહેવાય છે.

સ્ટેમ્પ ડયૂટી ઘટશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનેટરી પોલીસી કમીટીની બેઠક માત્ર વ્યાજદરના ઘટાડા પુરતી સીમીત રહેશે નહીં. આ બેઠકના માધ્યમથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ઝડપથી દોડતુ કરવા માટેના મહત્વના નિર્ણયો લેવામાં આવશે. જેમાં સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા સહિતના નિર્ણયો છે. રિયલ એસ્ટેટ સેકટર અત્યારે દેશમાં ૫ કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. દેશના અર્થતંત્રમાં રિયલ એસ્ટેટ સેકટર કરોડરજ્જુ સમાન છે. જેથી આ બેઠક રિયલ એસ્ટેટ સેકટર માટે પણ ફળદાયી નિવડશે તેવી અપેક્ષાઓ છે.

આ ઉપરાંત વ્યાજદર ઘટશે તો હોમલોનના દર પણ આપોઆપ ઘટી જશે. જેથી લોકો મકાન લેવા પ્રેરાશે તેવી પણ ધારણા છે.

ભીંસમાં મુકાયેલ ટુરિઝમ,એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને ધ્યાને લેવાશે

મહામારીના કારણે સૌથી ગંભીર અસર ટુરિઝમ અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને થઈ છે. ટુરિઝમ સેકટર તો એકદમ મરણ પથારીએ પહોંચી ગયું છે. એન્ટરટેઈનમેન્ટ સેકટર પણ ઉભુ થવા મથામણ કરે છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી તા.૪ ઓગષ્ટથી ૬ ઓગષ્ટ દરમિયાન મળનારી બેંકમાં આ બંને ક્ષેત્રોને લઈ જાહેરાત થઈ શકે. કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી આ બંને સેકટર પર નજર રાખવામાં આવતી હતી. ટુરિઝમ અને એન્ટરટેઈનમેન્ટ સેકટર પણ જીડીપીના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. બન્ને સેકટર લાખો લોકોને રોજગારી આપે છે.